ભિલોડા પંથકમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ
૪ કલાકમાં ૧૦ ઇંચ વરસાદ ખાબક્યો,મોડાસા સહીત અરવલ્લીમાં સાર્વત્રિક વરસાદ,ખેતરોમાં પાણી ભરાયા
પ્રતિનિધિ દ્વારા ભિલોડા અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.જિલ્લાના દરેક તાલુકા મંથકમાં સાર્વત્રિક વરસાદ વરસતા ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે.જયારે છેલ્લા ૨૪ કલાકમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડયો હતો. જિલ્લાના ભિલોડા નગર અને પંથકમાં ગણેશ ચતુર્થીની વહેલી સવારે મેઘરાજાએ ભારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને આક્રમક રીતે ત્રાટકતાં નગરના અનેક વિસ્તારો પાણી-પાણી થઇ ગયા હતા.
ભિલોડાની સીવીલ હોસ્પિટલમાં પાણી ભરાતા દર્દીઓ અને આરોગ્ય કર્મીઓ કફોડી હાલતમાં મુકાયા હતા ભિલોડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ૪ કલાકમાં ૧૦ ઇંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતા કેનાલો પણ તૂટી ગઈ હતી સૌથી વધુ કફોડી સ્થિતિ નારાણપુર ગામમાં જોવા મળી હતી ઘરોની અંદર પાણી ઘુસી ગયા હતા મોડાસા શહેરમા સવારે મેઘરાજાની સવારી કડાકા ભડાકા સાથે પહોંચતા ચાર રસ્તા પર તળાવ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું વાહનચાલકો અને રાહદારીઓ ભારે હાલાકીમાં મુકાયા હતા
મોડાસા શહેર સહિત અરવલ્લી જીલ્લામાં શનિવારે વહેલી સવારથી ભારે મેઘગર્જના સાથે વરસાદ ખાબક્યો હતો. વીજળીના કડાકા, ભડાકા સાથે શહેરમાં ખાબકેલા ૨ ઈંચ જેટલા વરસાદથી ઠેરઠેર પાણી ભરાઈ જતા શહેરના ધબકતા જનજીવન પર બ્રેક લાગી હતી અને શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ જતા વાહનચાલકો પણ ભારે પરેશાન બન્યા હતા.
તો ક્યાંક પાણીમાં વાહનો બંધ થઈ જવા પામ્યા હતા. શહેરના હાર્દસમા ચાર રસ્તા,કડિયાવાડા રોડ અને જુના બસસ્ટેન્ડ પાછળના વિસ્તારોમાં ૨ ઈંચ જેટલા સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા.મોડાસા જી.આઈ.ડી.સી થી જીલ્લા સેવાસદન રોડ પર ૬ જેટલા વીજપોલ નમી પડ્યા હતા. લી.જીત હરેશભાઈ ત્રિવેદી,ભિલોડા,જી.અરવલ્લી