ભિલોડા પોલીસે હત્યારાઓને દબોચ્યા
કુડોલ (સુંદરપુર)ગામે બે ભાઈઓની નિર્દયી હત્યા કરનાર બંને હત્યારાને જંગલમાંથી ઝડપ્યા
અરવલ્લી જીલ્લામાં લોકડાઉનમાં રક્તરંજિત ઘટના બનતા ચકચાર મચી હતી ભિલોડા તાલુકાના કુડોલ (સુંદરપુર) ગામમાં રહેતા રાજેન્દ્રભાઇ અને વિનોદભાઈ યુસુફ ભાઈ અસારી નામના બે સગા ભાઈઓની ગામનાજ આશીર્વાદ દાનિયલ પારઘી અને તેના ઘરે રહેતા રાજસ્થાની યુવક ચંદ્રેશ ભુરજી કોપસાએ સામાન્ય બાબતમાં ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બંને ભાઈઓની લોંખડની પાઈપ અને છરીના ઘા ઝીંકી હત્યા કરી નગ્ન અવસ્થામાં બંનેના મૃતદેહ ગામમાં નાખી હત્યારાઓ ફરાર થઈ જતા ભિલોડા પોલીસે બંને શખ્શો સામે હત્યાનો ગુન્હો નોંધી ગણતરીના દિવસોમાં ગામ નજીક આવેલા જંગલ વિસ્તારમાંથી ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દઈ હત્યાના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
ભિલોડાના કુડોલ (સુંદરપુર) ગામના રાજેન્દ્રભાઇ યુસુફભાઇ અસારીની દીકરી પર ગામના આશીર્વાદ દાનિયલ પારઘીના ઘરે રહેતો રાજસ્થાની યુવક ચંદ્રેશ ભુરજી કોપસા ખરાબ નજર રાખતો હોવાથી ગત રવિવારે રાત્રે રાજેન્દ્રભાઇ તેમના નાના ભાઈ વિનોદભાઈ યુસુફ ભાઈ અસારી સાથે આશીર્વાદ દાનિયલના ઘરે ઠપકો આપવા જતા ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આશીર્વાદ દાનિયલ અને ચંદ્રેશ કોપસાએ લોંખડની પાઈપ અને છરી સાથે ખેતરમાં બંને ભાઈઓ પાછળ દોડી લોંખડની પાઈપ અને છરીના ઘા ઝીંકી હત્યા કરી દીધી હતી અને હત્યા છુપાવવા બંને હત્યારાઓએ મૃતક બંનેના કપડાં કાઢી નાખી અલગ-અલગ જગ્યાએ ગામની સીમમાં નાખી ફરાર થઈ ગયા હતા.
ભિલોડા પોલીસે મૃતકની પુત્રી નિરાલીબેન રાજેન્દ્રભાઇ અસારી ની ફરિયાદના આધારે આશીર્વાદ દાનિયલ પારઘી (રહે,કુડોલ-સુંદરપુર) અને ચંદ્રેશ ભુરજી કોપસા (રહે, જુશાવાડા, વિજયનગર, મૂળ રહે,ડબાચા, રાજસ્થાન) વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા ભિલોડા પીએસઆઈ કે.કે રાજપૂતને બંને હત્યારાઓ કુડોલ (સુંદરપુર) ગામ નજીક આવેલા ડુંગર પર છુપાયા હોવાની બાતમી મળતા સમગ્ર જંગલ વિસ્તારને કોર્ડન કરી બંને હત્યારાઓને દબોચી લઈ હત્યામાં વપરાયેલ સાધનોની રિકવરી કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા