ભિવંડીના ખેડૂતે ઉપયોગ માટે ૩૦ કરોડનું હેલિકોપ્ટર ખરીદ્યું
મુંબઈ: ભિવંડીના એક ખેડૂતે તેના અંગત ઉપયોગ માટે ૩૦ કરોડ રૃપિયાનું નવું નકોકર હેલિકોપ્ટર ખરીદતાં તાલુકા સહિત જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. ભિવંડીના વડપે ગામમાં રહેતા મૂળ ખેડૂત એવા જનાર્દન ભોઇરે બાંધકામ ક્ષેત્રમાં પ્રવેશી તેમની જમીન પર મોટી સંખ્યામાં ગોદામો બાંધ્યા તેમજ ડેરી વ્યવસાય સહિત અન્ય બિઝનેસ પણ વિકસાવ્યો છે. ભિવંડી તાલુકામાં વેર હાઉસિંગ બિઝનેસમાં તેજીને પગલે અહીંના ખેડૂતોને ‘અચ્છે દિન’ આવ્યા છે અને ખેડૂતો બીએમડબલ્યુ, મર્સિડીઝ, રેન્જર રોવર જેવી વૈભવી કારમાં ફરતા થયા છે. તાજેતરમાં ભોઇરને આ હેલિકોપ્ટરની ડિલીવરી આપનાર ચિપસન કંપનીના અધિકારીઓ હેલિકોપ્ટરની ડિલીવરી આપવા આવ્યા ત્યારે હેલિકોપ્ટરને જાેવા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. એક ખેડૂતે હેલિકોપ્ટર લીધું હોય તેવી મહારાષ્ટ્રની આ પહેલી ઘટના હોવાનું કહેવામાં આવે છે.
ભિવંડીના વડપે ગામમાં રહેતા મૂળ ખેડૂત એવા ભોઇરને અહીં ગોદામ-વેરહાઉસનો ધંધો ખૂબ ફળ્યો. તેમણે તેમની ઘણી જમીન વેરહાઉસ બનાવવા વેચી તેમજ પોતે પણ ઘણા વેરહાઉસો બનાવ્યા આટલેથી ન અટકતા નવા ધંધા વિકસીત કરવાના આશયથી ડેરી વ્યવસાયમાં ઝુકાવ્યું. ડેરી વ્યવસાયનો બારિકાઇથી અભ્યાસ કરી ડેરી વ્યવસાય ક્ષેત્રે પણ કાઠું કાઢ્યું.
જનાર્દન કહે છે કે ડેરીના વ્યવસાય માટે તેમને ઘણીવાર પંજાબ, ગુજરાત, હરિયાણા, રાજસ્થાન અને પૂર્વના રાજ્યોમાં જવું પડે છે. જનાર્દન ભોઇરે પોતાના ઘરની પાસે જ હેલિકોપ્ટર માટે હેલિપેડ બનાવ્યું છે. સાથો સાથ પાઇલટ રૂમ, ટેકનિશિયન રૂમ બનાવવાની પણ તૈયારી ચાલી રહી છે. તેણે કહ્યું કે ૧૫ માર્ચે મારાં હેલિકોપ્ટરની ડિલિવરી થવાની છે, મારી પાસે ૨.૫ એકરની સાઇટ છે જ્યાં હું હેલિકોપ્ટર માટે રાઉન્ડ પટ્ટી અને અન્ય વસ્તુઓ બનાવીશ.
પોતાની વેપાર કરવાની કુનેહ અને દુરદર્શીને લીધે ભોઇર ખૂબ જ સમૃદ્ધ બન્યા અને વેપાર વિસ્તારવા તેમજ ડેરી ઉદ્યોગ માટે ગુજરાત, રાજસ્થાન જેવા રાજ્યોમાં જવા-આવવા પોતાનું હેલિકોપ્ટર ખરીદી એક નવો ચીલો ચાતર્યો હતો.
આ પહેલા ભિવંડીના જ એક વેપારી અરુણ પાટીલે મોંઘીદાટ કેડિલેક કાર ખરીદી ભિવંડી જેવા નાના શહેરમાં તરખાટ મચાવી દીધો હતો. ભિવંડીમાં વેરહાઉસ બિઝનેસ ખૂબ જ વિકસતા અહીંની જમીનોના ભાવ આસમાનને આંબી રહ્યા છે. જેનો લાભ અહીંના ખેડૂતો અને જમીનદારોને થઇ રહ્યો છે.
રવિવારે હેલિકોપ્ટર વેચનાર કંપનીના અધિકારીઓ, એન્જિનિયરો, હેલિકોપ્ટર લઇને આવ્યા હતા અને પાર્કિંગ માટેની જગ્યાનું નિરિક્ષણ કર્યું હતું. આ ઉપરાંત હેલિકોપ્ટરની સુરક્ષા માટે સેફટી વોલ, હેલિપેડ, એન્જિનિયર અને સુરક્ષા ગાર્ડ રાખવા માટે પણ ચર્ચા થઇ હતી. ત્યાર બાદ ભોઇરે હેલિકોપ્ટરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જીતેલા ઉમેદવારોને હવાઇ સફર પણ કરાવી હતી.
હકીકતમાં, ભિવંડી વિસ્તારમાં ઘણી મોટી કંપનીઓના ગોડાઉન છે જેથી લોકોને સારું ભાડુ મળે છે. ભિવંડી વિસ્તારમાં દેશના તમામ મોંઘી ગાડીઓ જાેવા મળશે. આ વાતને એવી રીતે સમજીએ કે અમેરિકાના રાષ્ટ્રપતિના કાફલામાં ચાલનારી કેડિલેક કાર પ્રથમ વખત મુંબઈમાં નહીં પરંતુ ભિવંડી વિસ્તારથી જ ખરીદવામાં આવી હતી. જનાર્દન ભોઇર પાસે પણ ઘણા ગોડાઉન છે, અને તેથી તેમેને ઘણી કમાણી થઇ રહી છે.