ભીખમાં મળેલી લોટરીની ટિકિટથી ભિખારી માલામાલ
ફ્રાંસ: ફ્રાંસમાં એક જોરદાર કિસ્સો સામે આવ્યો છે. ફ્રેંચ લોટરી સંચાલક એફડીજેએ મંગળવારે જાહેર કર્યું કે, જુઆરીએ ભીખમાં આપેલી લોટરીની ટિકિટે ચાર બેઘર લોકોને લખપતિ બનાવી દીધા છે. આ ચાર લોકોને ૫૦ હજાર યૂરોની જેકપોટ લોટરી લાગી છે. આશરે ૩૦ વર્ષની ઉંમરનાં ચાર લોકો બ્રેસ્ટનાં વેસ્ટર્ન પોર્ટ સિટીની એક લોટરી શોપની બહાર ભીખ માંગતા હતા. જ્યાંથી એક વ્યક્તિએ એક યૂરોની ટિકિટ લીધી હતી અને તેમને ભીખમાં આપી દીધી હતી.
ફ્રેંચ લોટરી ઓપરેટર એફડીજેએ મંગળવારે જણાવ્યું કે, એક વ્યક્તિએ ચારેય ભિખારીને દાનમાં એક લોટરીનું સ્ક્રેચ કાર્ડ આપ્યું. જેની અંદર આ ચારેયને ૫૦૦૦૦ યુરો એટલે કે ૪૩ લાખ રુપિયા કરતા પણ વધારેની રકમ ઇનામમાં મળી છે. ઓપરેટરે એક નિવેદનમાં કહ્યું કે,જ્યારે પાંચ યુવકોએ પાંચ યૂરોની નહીં પરંતુ ૫૦ હજારની જીતની જાણ થઇ તો તેઓ હેરાન થઇ ગયા. તેઓનો આનંદ સમાતો જ ન હતો.
આ લોકોએ જેકપોટને સરખા ભાગે વહેંચી દીધો હતો. એક પ્રવક્તાએ એએફપીને જણાવ્યું કે, આ લોકો ગૂંગા હતા. આ લોકોએ કહ્યું કે, આ રુપિયાનું શું કરીશું તે હજી વિચાર્યું નથી. પરંતુ આ શહેર છોડવું છે એટલું જ વિચાર્યું છે. થોડા મહિના પહેલા લોટરીનો રસપ્રદ કિસ્સો કોલકાતામાં પણ બન્યો હતો. કોલકાતાના દમદમ વિસ્તારમાં શાકની દુકાન ચલાવતા સાદિકે તેની પત્ની અમીના સાથે નવા વર્ષના એક દિવસ પહેલાં લોટરીની ૫ ટિકિટ ખરીદી હતી.
૨ જાન્યુઆરીએ લોટરીની જાહેરાત થઈ ત્યારે સાદિક સાથે શાક વેચતા કેટલાક દુકાનદારોએ તેને કહ્યું કે, તેને કોઇ ઈનામ નથી લાગ્યું. નિરાશ થયેલ સાદિકે તેની ટિકિટો કચરાપેટીમાં નાખી દીધી. બીજા દિવસે સવારે તે બજારમાં ખરીદી કરવા ગયો તો લોટરી વેચનાર દુકાનદારે તેને તેની ટિકિટ વિશે પૂછ્યું અને કહ્યું તેને એક કરોડનું ઈનામ મળ્યું છે.