ભુજઃ સરકારે મીની લૉકડાઉન લંબાવતા શેરી ફેરિયાઓએ સામુહિક મુંડન કરીને નોંધાવ્યો વિરોધ
ભુજ: ગુજરાત સરકારે રાજ્યના ૩૬ શહેરમાં રાત્રિ કર્ફ્યૂની સાથે સાથે મીની લૉકડાઉન જાહેર કર્યું છે. તાજેતરમાં રાત્રિ કર્ફ્યૂ અને મીની લૉકડાઉન એક અઠવાડિયા સુધી લંબાવી દેવામાં આવ્યું છે. જેની સામે હવે વિવિધ શહેરોમાંથી નાના વેપારીઓ વિરોધ નોંધાવ રહ્યા છે. ભુજ શહેરમાં પણ રાત્રિ કર્ફ્યૂ અને દિવસે નિયંત્રણના નામે એક સપ્તાહ સુધી મીની લૉકડાઉન લંબાવી દીધું છે. જેના કારણે વેપારીઓની તમામ આશા ઠગારી નીવડી છે. સતત ધંધો બંધ રહેવાને પગલે ભુજ શહેરના શેરી ફેરિયાઓએ મુંડન કરાવી વિરોધ કર્યો હતો. ભુજમાં લૉકડાઉનના કારણે શેરી ફેરિયા-ખાણીપીણી ધંધાર્થીઓનો ધંધો મરણપથારીએ પહોંચી ગયો છે.
સરકારના અધકચરા લોકડાઉનથી ધંધા બંધ રહેતા નાના વેપારીઓ આર્થિક ભીંસમાં મૂકાયા છે. અગાઉ શેરી ફેરિયાઓએ વિરોધ આંદોલનો કર્યા હતા છતાં કોઈ ઉકેલ ન આવતા ભુજમાં શેરી ફેરિયાઓએ મુંડન કરાવી વિરોધ નોંધાવ્યો હતો. સરકારમાં રજુઆતો છતાં દાદ ન મળી અને સપ્તાહનું લૉકડાઉન લંબાવી દેવાયું છે ત્યારે સરકારની નીતિ સામે ફેરિયાઓમાં રોષ પ્રવર્તી રહ્યો છે.
વેપારીઓ વિરોધ કરતા કહી રહ્યા છે કે, સરકારને કોરોનાની ચેન તોડવામાં મધ્યમ વર્ગ જ કેમ દેખાય છે? ઝેરોક્ષ કોપીવાળું લોકડાઉન ફરી થોપી દેવાયું છે. કોરોનાથી માણસો નહીં મરે પણ આવી નીતિથી વેપારીઓ આર્થિકબોજ અને માનસિક તણાવમાં આવી ગયા છે. જેના કારણે તેઓ આત્મહત્યા તરફ પ્રેરાઈ રહ્યા છે.
ભુજના શેરી ફેરિયાઓએ માંગ કરી કે જેમ હોટલમાં ટેક અવેની સુવિધા અપાય છે તેવી રીતે ધંધાર્થીઓને પણ ટેક અવેની સુવિધા આપવામાં આવે. આવું થાય તો ગુજરાન ચાલી શકે છે. સરકારની નીતિ સામે ભુજના શેરી ફેરિયાઓ મુંડન કરાવી આ લડતમાં જાેડાઇ રહ્યા છે.
ભુજમાં જેમ શેરી ફેરિયાઓએ જેવી રીતે મુંડન કરીને વિરોધ નોંધાવ્યો છે તેવી રીતે રાજકોટમાં નાના વેપારીઓએ આજે મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી. આ સાથે જ નાના વેપારીઓએ સરકારને એવી ગર્ભીત ચિમકી પણ ઉચ્ચારી હતી કે જાે સરકાર એક અઠવાડિયા બાદ ફરીથી મીની લૉકડાઉનની જાહેરાત કરશે તો તે લોકો તેમની દુકાનો સ્વેચ્છાએ ખોલી નાખશે. વેપારીઓએ રજુઆત કરી હતી કે ઉદ્યોગ ચાલુ છે તો નાના વેપારીઓને જ શા માટે ધંધા બંધ રાખવાની ફરજ પાળવામાં આવે છે.