ભુજનાં જવાને ડેન્ગ્યૂથી કંટાળીને પત્ની, સાળીને ગોળી મારીને પોતે પણ આત્મહત્યા કરી
ભુજ, ભુજ આર્મી કેમ્પમાં ફરજ બજાવતા એક જવાને બિહારના પટણા નજીક સૈદાબાદ ગામ પાસે ચાલુ કારમાં તેની પત્ની અને સાળીને ગોળી મારીને હત્યા કર્યા બાદ પોતે પણ લમણે ગોળી મારીને આત્મહત્યા કરી નાંખતા ચકચાર મચી ગઇ છે. આ ઘટના બનવા પાછળનું કારણ ડેન્ગ્યૂની બીમારી હોવાનું સામે આવી રહ્યું છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે ભુજમાં ફરજ બજાવતા વિષ્ણુ શર્માએ ચાલતી કારમાં તેની સાળી ડિમ્પલ ઉર્ફે ખુશ્બુ શર્માને લાયસન્સ વાળી પિસ્તોલાથી ગોળી મારી દીધી હતી. ત્યાર બાદ તેની પત્ની દામિની શર્માને ગોળી મારી દીધી હતી. કાર ચલાવતા જવાનનાં કાકા સસરાએ વિરોધ કરતા જવાને તેને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ દરમિયાન સસરા જવાનનાં બે પુત્રોને લઈ કારની બહાર નીકળ્યા હતા ત્યારે જ જવાને પણ પોતાને લમણે ગોળી મારીને આત્મહત્યા કરી દીધી હતી.
આ અંગે પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી પોલીસે કરેલી ઘટનાની પ્રાથમિક પૂછપરછમાં તેના પરિજનોના જણાવ્યા મુજબ, જવાન વિષ્ણુને દોઢ માસ પહેલા થયેલા ડેન્ગ્યૂનાં કારણે તેનો સ્વભાવ ચીડિયો થઈ ગયો હતો. તેનો નાનીનાની વાતે ગુસ્સો વધી જતો હતો. તેણે આ માનસિક તાણમાં જ પગલું ભર્યું હોઈ શકે છે. બીજી તરફ સૂત્રોમાંથી મળેલી વિગત પ્રમાણે તેણે ભૂજમાં લીધેલી સારવારથી તે સાજો થઈ ગયો હતો. જે બાદ લગ્નમાં આવવાથી તેની તબિયત વધુ ખરાબ થઈ હોવાનું તે માનતો હતો. તેઓ સારવાર માટે જઈ રહ્યા હતાં. ત્યારે આ અંગે થયેલી વાતચીતમાં પત્ની અને સાળી સાથે ચડભડ થતાં તેણે આવેશમાં આવી આ પગલું ભર્યું હોવાની શક્યતા છે.