Western Times News

Gujarati News

ભુદરપુરામાં પ્રેમ પ્રકરણમાં યુવકે યુવતીના પિતા પર જીવલેણ હુમલો કર્યો

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) અમદાવાદ, એલીસબ્રીજમાં આવેલા ભુદરપુરા ખાતે પ્રેમ પ્રકરણમાં યુવકે યુવતીના માતા-પિતા સાથે ઝઘડો કર્યો હતો. બાદમાં પિતા પર છરી વડે હુમલો કરીને ગળા અને છાતીમાં ઘા મારતાં તેમને ગંભીર હાલતમાં દવાખાનામાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જયારે હુમલો કરનાર યુવક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

આ અંગેની વિગત એવી છે કે આંબાવાડી, ભુદરપુરા રોડ પર આવેલી આંબેડકર કોલોનીમાં રહેતા મનસુખભાઈ મુછડીયાની દિકરીને નજીકના બ્લોકમાં રહેતા રાહુલ રાજેશભાઈ મુછડીયા સાથે પ્રેમસંબંધ હતો. બાદમાં બંનેને ઝઘડો થતા પુત્રી પરત આવી ગઈ હતી અને રાજકોટમાં પીજી તરીકે રહેવા જતી રહી હતી.

આ અંગેની અદાવત રાખી રાહુલ અવારનવાર રાજેશભાઈ અને તેમના પરીવાર સાથે ઝઘડો કરતો હતો. દરમિયાન મંગળવારે રાજેશભાઈ પત્ની સાથે મહેનતપુરામાં સંબંધીના મરણ પ્રસંગે જતા હતા ત્યારે ત્રણ વાગ્યાના સુમારે રાહુલ તેમનો રસ્તો રોકીને ઝઘડો કરવા લાગ્યો હતો.

બાદમાં પોતાની બાઈકથી રાજેશભાઈની બાઈકને ટકકર મારતા પતિ-પત્ની નીચે પડયા હતા જેને પગલે રાજેશભાઈ તેને સમજાવવા જતાં રાહુલે અચાનક પોતાની પાસે છુપાવેલો છરો કાઢી તેમના ગળા પર મારી દીધો હતો.

આ દૃશ્ય જાેઈ પત્ની છોડાવવા જતાં રાહુલે તેમને પણ મારી નાખવાની ધમકી આપી હતી અને ફરી બીજી વખત રાજેશભાઈની છાતીમાં છરાનો ઘા કરી મારવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે હોબાળો થતાં રાહુલ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

બીજી તરફ લોહીલુહાણ હાલતમાં ઢળી પડેલાં રાજેશભાઈને એસવીપી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને રાહુલની શોધખોળ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.