ભુસ્તરશાસ્ત્રીનો ગેરકાયદેસર રીતે થતાં રેતી ખનનમાં 50% હિસ્સેદારીનો આક્ષેપ

ઝઘડિયાના ટોઠીદરા ગ્રામજનો દ્વારા કલેકટરને ગામના સરપંચ સહીત ભૂસ્તરશાસ્ત્રી સામે ગંભીર આક્ષેપો કરી આવેદનપત્ર પાઠવ્યું
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ગ્રામજનો દ્વારા ગામના સરપંચ તથા તેના મળતિયાઓ રાત દિવસ ગેરકાયદેસર રેતી ખનન કરે છે તથા જિલ્લા ભુસ્તરશાસ્ત્રીની ગેરકાયદેસર રીતે થતાં રેતી ખનન માં ૫૦ ટકા હિસ્સેદારી હોવાનો આક્ષેપ કર્યો છે.
ઝઘડિયા તાલુકાના ગોવાલી થી લઈ પાણેથા ઈન્દોર ગામ સુધીની નર્મદા કિનારાની જમીનમાં ગેરકાયદેસર રીતે થતું રેતીખનન સળગતો પ્રશ્ન છે.આ બાબતે સાંસદ મનસુખ વસાવા પણ જવાબદાર અધિકારીઓને ટકોર કરી ચૂક્યા છે પરંતુ વહીવટી તંત્રની મેળાપીપણામાં થતું ગેરકાયદેસર રેતી ખનન સાંસદની ટકોર ને પણ નજરઅંદાજ કરી ચલાવાય રહ્યું છે.
ગેરકાયદેસર રીતે ઉલેચાતી રેતીની વહન પ્રક્રિયામાં સેંકડો વીઘા જમીનમાં ઉભેલા પાકને પણ નુકસાન થયું હોવાનો આક્ષેપ સાથેની લડત ખેડૂતો વર્ષોથી ચલાવી રહ્યા છે.પરંતુ ગેરકાયદેસર રીતે થતી રેતી ખનન પ્રવૃત્તિ જવાબદાર વહીવટીતંત્ર અટકાવી શકતું નથી.
ઝઘડિયા તાલુકાના ટોઠીદરા ગામના ગ્રામજનોએ આજરોજ જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર આપી જણાવ્યું છે કે જુના ટોઠિદરા ગામના નર્મદા નદીના પટ વિસ્તારમાંથી ખાણ ખનીજ વિભાગ ભરૂચના અધિકારીઓની મિલીભગતના કારણે ગામના સરપંચ કાંતિ મંગાભાઈ વસાવા,
પરેશ અરવિંદભાઈ જિગોલા, અક્ષય મનહરભાઈ વિરજાયા, પિયુષ મોહનસિંહ પ્રાકડા, સંદીપ અરવિંદભાઈ વસાવા વિગેરેના ઓ રાત દિવસ ગેરકાયદેસર રીતે ખનન કરી રહેલ છે જેના કારણે સરકારી તિજાેરીને લાખો રૂપિયાનું નુકસાન થઇ રહેલ છે. આ બાબત ની સંપૂર્ણ જાણકારી ભૂસ્તરશાસ્ત્રી હોવા છતાં આંખ આડા કાન કરે છે
કારણ કે ભુસ્તર શાસ્ત્રી ભરૂચનો પણ આ ગેરકાયદે રેત ખનનમાં ૫૦ ટકા હિસ્સેદારી છે જે ખૂબ ગંભીર બાબત છે.આ બાબતની તેઓને જાણ કરવામાં આવે છે તો તરત જ ભુસ્તર શાસ્ત્રી દ્વારા ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતાને તેની જાણકારી કરી દે છે.
હાલમાં જૂના ટોઠિદરા નદીના પટ વિસ્તારમાંથી હજારો મેટ્રિક ટન રેતી ચોરી કરેલ છે, જેની જવાબદારી ભૂસ્તરશાસ્ત્રી તેમજ ગ્રામ પંચાયતના સરપંચ તથા તેના મળતિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને તેની ગંભીર નોંધ લેવામાં આવે તેમ જણાવ્યું હતું.
ગ્રામજનોએ વધુમાં જણાવ્યું હતું કે અગાઉ પણ તા. ૨૮.૨.૨૨ ના રોજ રેતી ઉલેચવાની મશીનરી પકડી ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવેલ હતી.ખાણ ખનીજ વિભાગની ટીમ સ્થળ પર આવીને સ્થળ નિરીક્ષણ કરી અધૂરી કામગીરીથી સંતોષ માન્યો હતો અને કોઈ નક્કર કામગીરી કરેલ નથી.