ભૂકંપની ઝડપી ચેતવણી માટે Google લાવ્યું નવી યોજના, સુંદર પિચાઈએ કર્યો ખુલાસો

નવી દિલ્હી, ગૂગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈએ કરેલા દાવા પ્રમાણે ગૂગલે ઘણા સમયથી એવી તકનીકો સાથે પ્રયોગ શરૂ કરી દીધા છે જે ભૂકંપ અને સુનામીનું કંપન બહુ પહેલાથી જ ઓળખી લે. આ માટે કંપની સમુદ્રની અંદર જ ફાઈબર કેબલ્સનો ઉપયોગ કરશે. આ કેબલ્સ સુનામી અને ભૂકંપ આવે તેના પહેલા જ તેને ઓળખી લેવા સમર્થ હોય છે અને તેને એક વોર્નિંગ સિસ્ટમ તરીકે ઉપયોગમાં લઈ શકાશે.
આ ઓપ્ટિકલ ફાઈબર કેબલ્સ 100 કિમી સુધીના ક્ષેત્રમાં કોઈ પણ હલન ચલન ઓળખવા ઉપયોગમાં લેવાય છે. ગૂગલે એક એવી તકનીક વિકસાવી છે જે એક મોટા વિસ્તારને કવર કરી શકે તેમ છે. ગૂગલના કહેવા પ્રમાણે તેઓ સમુદ્રની સપાટી પર કોઈ પણ હલન ચલન ઓળખવા પહેલેથી જ ઉપસ્થિત ફાઈબર કેબલ્સનો ઉપયોગ કરી રહ્યા છે. કંપનીએ પોતાની એક બ્લોગ પોસ્ટમાં લખ્યું હતું કે, ‘હજું પણ બીજું ઘણું સારૂ છે અને અમારી તકનીક એ ઉપકરણો પર નિર્ભર કરે છે જે સમગ્ર વિશ્વમાં ઉપસ્થિત મોટા ભાગની ફાઈબર ઓપ્ટિક સિસ્ટમ પાસે છે. આ કારણે તે મોટા સ્તરે લાગુ કરી શકાશે.’
ગૂગલના કહેવા પ્રમાણે આ ઓપ્ટિક ફાઈબર્સ સમુદ્રની સપાટી દ્વારા વિવિધ મહાદ્વીપોને જોડી શકે છે જેના દ્વારા મોટા ભાગનો ઈન્ટરનેટ ટ્રાફિક પસાર થાય છે. વધુમાં લખ્યું હતું કે, સમુદ્રની નીચે પાથરેલું ગૂગલ ગ્લોબલ નેટવર્ક સૂચનાઓને સમગ્ર વિશ્વમાં પ્રકાશની ઝડપે શેર કરવાનું, મોકલવાનું અને મેળવવાનું શક્ય બનાવે છે.
આ કેબલ્સ ઓપ્ટિકલ ફાઈબર્સથી બને છે જે ડેટાને ‘લાઈટ પલ્સ’ તરીકે 2,04,190 કિમી પ્રતિ સેકન્ડની ઝડપે લઈ જઈ શકે છે. તે જ્યાં પહોંચે ત્યાં તેની ખામી સુધારવા માટે એક ડિજિટલ સિગ્નલ પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે આ ઓપ્ટિકલ ટ્રાન્સમિશનના એક હિસ્સા તરીકે ટ્રેક કરવામાં આવે છે ત્યારે પ્રકાશ સ્ટેટ ઓફ પોલરાઈઝેશન (SOP)ની અવસ્થામાં હોય છે.
ગૂગલના કહેવા પ્રમાણે કેબલ સાથે મશીની મુશ્કેલીઓની પ્રતિક્રિયામાં SOPમાં ફેરફાર થાય છે. આ મુશ્કેલીઓને ટ્રેક કરવાથી આપણને ભૂકંપીય હલચલ પકડવામાં મદદ મળે છે. ગૂગલે 2013માં આ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી અને 2019માં તેના માટે પહેલો પ્રયોગ કરવામાં આવ્યો હતો. ત્યારથી આ તકનીક મેક્સિકો અને ચિલીમાં હળવા ભૂકંપોને પહેલેથી ઓળખી શકી છે. જો આ તકનીક સફળતાપૂર્વક લાગુ થશે તો લાખો લોકોની જિંદગી બચાવી શકાશે.