Western Times News

Gujarati News

ભૂખ્યા બાળક માટે ૨૩ મિનિટમાં રેલવેએ દૂધ પહોંચાડ્યું

નવી દિલ્હી, ટ્રેનમાં સફર કરી રહેલી માતાએ પોતાના ૮ મહિનાના ભૂખ્યા બાળક માટે દૂધ આપવા વિનંતી કરતી ટ્‌વીટ રેલવે મંત્રીને કરવામાં આવી હતી. માતાની ટ્‌વીટની થોડી જ મિનિટોની અંદર ભારતીય રેલવે દ્વારા બાળક માટે દૂધની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી.

સોમવારે બનેલાં આ કિસ્સા બાદ સૌ કોઈ ભારતીય રેલવેના વખાણ કરી રહ્યા છે. મુંબઈ-સુલ્તાનપુર એટીટી એક્સપ્રેસ ટ્રેનના થર્ડ એસી કોચમાં સવાર મહિલાએ પોતાના નવજાત બાળકને દૂધની જરૂર હોવાની ટ્‌વીટ રેલવે મંત્રીને કરી હતી. મુસાફર પાસેથી તમામ વિગતો મેળવ્યા બાદ, નવજાત માટે દૂધની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી અને ૨૩ મિનિટની અંદર જ કાનપુર રેલવે સ્ટેશન પર દૂધની ડિલિવરી પણ કરી દેવામાં આવી હતી.

રેલવે દ્વારા કરવામાં આવેલી તાત્કાલિક મદદને કારણે મહિલા સહિત તમામ મુસાફરોએ રેલવેની કામગીરીના વખાણ કર્યાં હતા. સુલ્તાનપુરની રહેવાસી અંજલિ તિવારી લોકમાન્ય ટિલક ટર્મિનસથી સુલ્તાનપુર જઈ રહેલી એલટીટી એક્સપ્રેસ (૧૨૧૪૩)ના બી-૧ કોચના બર્થ નંબર ૧૭ અને ૨૦માં ૮ મહિનાના નવજાત બાળક સહિત પોતાના બે બાળકો સાથે મુસાફરી કરી રહી હતી.

બપોરે અઢી વાગ્યાની આસપાસ જ્યારે ટ્રેન ભીમસેન સ્ટેશન પર પહોંચવાની હતી, ત્યારે નવજાત બાળક ભૂખને કારણે સતત રડવા લાગ્યું હતું. માતાએ બાળકને શાંત કરવા અનેક પ્રયાસો કર્યાં, પણ ભૂખને કારણે બાળક સતત રડી જ રહ્યું હતું. પોતાના પરિવારના સભ્યો સાથે વાતચીત કર્યા બાદ મહિલાએ બપોરે ૨.૫૨ મિનિટે રેલવે મંત્રીને ટ્‌વીટ કર્યું હતું, તે સમયે ટ્રેને ભીમસેન સ્ટેશન છોડી દીધું હતું.

મહિલાની ટ્‌વીટ બાદ રેલવે વિભાગ એક્શનમાં આવી ગયો હતો. કાનપુર સેન્ટ્રલના ડેપ્યુટી સીટીએમ હિમાંશુ શેખર ઉપાધ્યાયની સૂચનાઓ બાદ એસીએમ સંતોષ ત્રિપાઠીએ બાળક માટે દૂધની વ્યવસ્થા કરી હતી.

કાનપુર સેન્ટ્રલના સીટીએમ હિમાંશુ શેખર ઉપાધ્યાયે જણાવ્યું કે, બપોરે ૩.૧૫ કલાકે ટ્રેન કાનપુર સેન્ટ્રલના પ્લેટફોર્મ નંબર ૯ ઉપર આવી પહોંચી હતી. જે બાદ અમે કોચ સુધી ગયા હતા અને બાળકની માતાને ગરમ દૂધ આપ્યું હતું. જે બાદ એસીએમ સંતોષ ત્રિપાઠી દ્વારા ફોન ઉપર અંજલિનો સંપર્ક કરવામાં આવ્યો હતો. અંજલિએ ફોન ઉપર મદદ કરવા માટે રેલવે મંત્રીનો આભાર માન્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.