Western Times News

Gujarati News

ભૂજના ખેડૂતે ખારેકમાંથી પ્રવાહી ગોળ તૈયાર કર્યો

ડાયાબિટિસના દર્દીઓ પણ આરોગી શકશે – ભૂજના વેલજીભાઈ ભુડિયાને ગત જૂન-જુલાઈ મહિનામાં ખારેકમાંથી ગોળ બનાવવાનો વિચાર આવ્યો હતો

ભુજ, અત્યારસુધી તમે શેરડીમાંથી ગોળ તૈયાર થતો હોવાનું સાંભળ્યું હશે. પરંતુ કચ્છના એક પ્રગતિશીલ ખેડૂતો ખારેકમાંથી ગોળ તૈયાર કર્યો છે. કચ્છ રણ પ્રદેશ હોવાથી અહીં ખારેકનું ઉત્પાદન મોટાપાયે થાય છે. અહીંની ખારેક આખી વિશ્વમાં પ્રસિદ્ધ છે.

ખેડૂતનો એવો પણ દાવો છે કે ખારેકમાંથી તૈયાર કરેલા આ પ્રવાહી ગોળ ડાયાબિટિસના દર્દીઓ પણ ખાઈ શકશે. આ ગોળનું લેબોરેટરીમાં પરીક્ષણ પણ કરવામાં આવ્યું છે. સાથે એવો પણ દાવો કરાયો છે કે આ ગોળ ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક છે. હંમેશા કંઈક નવો આવિષ્કાર કરવાની ખેવના ધરાવતા કચ્છના એક ખેડૂતે નવી જ શોધ કરી છે.

ખેડૂતે પોતાના ખેતરમાં તૈયાર થતી ખારેકમાંથી ગોળ તૈયાર કર્યો છે. ભુજના વેલજીભાઈ ભુડિયાને ગયા જૂન-જુલાઈ મહિનામાં ખારેકમાંથી ગોળ બનાવવાનો વિચાર આવ્યો હતો. જે બાદમાં તેમણે ખારેકના રસમાંથી પ્રવાહી ગોળ બનાવ્યો છે.

આ ગોળને ચકાસણી માટે તેમણે લેબોરેટરીમાં પણ મોકલાયો હતો. લેબોરેટરીમાં આ ગોળ આરોગ્યપ્રદ હોવાનું સાબિત થયું હતું. ખેડૂતના દાવા પ્રમાણે ખારેકના ગોળમાં શરીરને જરૂરી વિટામિન્સ તથા આયર્ન ઉપલબ્ધ છે.

તાજેતરમાં જ ખુદ મુખ્યમંત્રીના હસ્તે કચ્છની બારહી ખારેકમાંથી તૈયાર કરાયેલા પ્રવાહી ગોળના પેકિંગનું લોન્ચિંગ પણ કરાયું હતું. માનવામાં આવી રહ્યું છે કે ખારેકની ખેતી કરતા ખેડૂતો અને ડાયાબિટિસના દર્દીઓ માટે આ ગોળ વરદાનરૂપ સાબિત થશે.

આ ગોળ ચા, કોફી, દૂધ, લાડુ, મોહનથાળ જેવી મીઠાઈઓમાં પ્રાકૃતિક મીઠાશ ઉમેરે છે. ડાયાબિટિસના દર્દીઓ નિશ્ચિત થઈને મીષ્ટાનનો સ્વાદ માણી શકશે. બજારમાં ઉપલબ્ધ કેટલાક ગોળમાં ભેળસેળ હોવાથી ડાયાબિટિસના દર્દીઓ, જૂના કફ અને ઉધરસના દર્દીઓને તે નુકસાન કરે છે. હવે આ ખારેકનો ગોળ તેઓના જીવનને મધુર બનાવી શકે છે. બીજું કે ખારેકના ઉત્પાદન વખતે અનેક વખત ખેડૂતોને પાક બગડવાથી નુકસાન સહન કરવું પડે છે.

હવે ખેડૂતો આ ખારેકમાંથી ગોળ તૈયાર કરીને નુકસાનથી બચી શકશે. વાલજીભાઈએ અભ્યાસ કર્યા બાદ વર્ષ ૨૦૦૬ ખેતી ક્ષેત્ર જંપલાવ્યું હતું. તેમણે બાગાયતી ખેતીની શરૂઆત કરી હતી. જે બાદમાં તેમણે માર્કેટમાં વિવિધ ફળોના જ્યુસ મૂક્યા હતા. જેમાં કેરી, દાડમ, જામફળ, ચણીયાબોર, સીતાફળ સહિત જ્યૂસનો સમાવેશ થાય છે. હવે તેમણે ખારેકમાંથી ગોળ બનાવીને નવી જ ચીલ ચાતર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.