ભૂજ-કંડલામાં 13 ડિગ્રી : ડીસામાં 12.4 ડીગ્રી લઘુતમ તાપમાન
રાજકોટ, હવામાન વિભાગનાં નિર્દેશો મુજબ આજરોજ પણ કચ્છમાં અને ડીસા ખાતે તિવ્ર ઠંડી યથાવત રહી હતી. જો કે રાજ્યનાં અન્ય ભાગોમાં માત્ર ગુલાબી ઠંડીનો અહેસાસ થયો હતો. ગઇકાલની જેમ આજરોજ સવારે પણ 7.4 ડીગ્રી સાથે કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું.
ગઇકાલે નલિયામાં 7.8 ડીગ્રી બાદ આજે સવારે 7.4 ડીગ્રી ઠંડી નોંધાતા ઠંડીની તીવ્રતા વધી હતી. આ ઉપરાંત કચ્છનાં ભૂજ ખાતે આજે સવારે 13 ડીગ્રી અને કંડલા ખાતે 13.8 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત આજે સવારે ડીસામાં પણ 12.4 ડીગ્રી લઘુતમ તાપમાન સાથે શિયાળુ માહોલ અનુભવાયો હતો.
દરમ્યાન આજરોજ સવારે અમદાવાદ ખાતે 16.1 ડીગ્રી, અમરેલીમાં 16.4, ભાવનગરમાં 16.6, વડોદરામાં 17, દમણમાં 20.4, દિવમાં 18.9, દ્વારકામાં 19.4 ડીગ્રી લઘુતમ તાપમાન સાથે સામાન્ય ઠંડી અનુભવાઈ હતી.
તેમજ ઓખામાં 21.6 ડીગ્રી, પોરબંદરમાં 20.4, રાજકોટમાં 17.6, સુરતમાં 19.6 અને વેરાવળમાં 20.3 ડીગ્રી ન્યુનતમ તાપમાન સાથે માત્ર ગુલાબી ઠંડીનો અહેસાસ થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આવતા સપ્તાહથી રાજકોટ સહિત રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે.