ભૂટાનમાં ભારત સહિત બાંગ્લાદેશ અને માલદિવની ફ્રી એન્ટ્રી બંધ થવાના આરે
થીમ્ફુ, દુનિયાનાં સૌથી ખુશ દેશ ભૂટાન જનારા ભારતીયોની ફ્રી એન્ટ્રી જલદી બંધ થવાની છે. ભૂટાન સરકારે ભારત સહિત બાંગ્લાદેશ અને માલદીવની પોતાના દેશમાં ફ્રી એન્ટ્રી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. હવે ત્રણેય દેશોથી ભૂટાનમાં જનારા યાત્રીઓએ 1200 રૂપિયા પ્રતિ દિવસ ચુકવવાનાં રહેશે. ભૂટાન સરકારે વિદેશી યાત્રીઓ પર લગાવવામાં આવતા ચાર્જને સસ્ટેનેબલ ડિવલપમેન્ટ ફી નામ આપ્યું છે. યાત્રીઓ પર આ ચાર્જ જુલાઈ 2020થી સમાન રીતથી લાગુ થશે.
ભૂટાનની નેશનલ એસેમ્બલીએ મંગળવારનાં ‘ટૂરિઝમ લેવી એન્ડ એગ્ઝેમ્પશન બિલ ઑફ ભૂટાન, 2020’નાં નામે પસાર કર્યું છે. જો કે ભારત, બાંગ્લાદેશ અને માલદીવનાં યાત્રીઓ પાસેથી વસૂલવામાં આવતો ચાર્જ બીજા દેશોનાં યાત્રીઓ પર લાગુ થનારા ચાર્જ કરતા ઘણો ઓછો છે. ભૂટાન જનારા યાત્રીઓએ અલગથી લગભગ 17,000 રૂપિયા પ્રતિ દિવસનાં હિસાબે આપવા પડે છે.
મોટાભાગનાં ભારતીયો ભૂટાનનાં પશ્ચિમ ભાગમાં ફરવાનું પસંદ કરે છે. આ માટે સરકારે પૂર્વ ભાગમાં ટૂરિઝમને પ્રોત્સાહન આપવા માટે એસડીએફ ચાર્જ ઓછો રાખ્યો છે. આ ચાર્જ 5 વર્ષથી ઓછી ઉંમરનાં લોકોમાં નહીં લાગે, જ્યારે 6-12 વર્ષનાં બાળકોની એન્ટ્રી માટે ફક્ત 600 રૂપિયા આપવાના રહેશે. ઉલ્લેખનીય છે કે ભૂટાન પર્યાવરણને લઇને ઘણું ગંભીર છે અને તે પર્યટકોનો વધારે પડતો ભાર પોતાની જમીન પર પડવા દેવા માંગતુ નથી. આ કારણથી સરકારે ત્રણેય દેશનાં યાત્રીઓ પર એસડીએફ લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે.
ભૂટાન પોતાની દીવાલ પેન્ટિંગ્સ, થાંગકા અને મૂર્તિઓ માટે પણ પ્રસિદ્ધ છે. અહીં થિમ્ફુ ચોર્ટન, બુદ્ધા ડોરડેનમા, ક્લૉક ટાવર સ્ક્વાયર, ટેંગો બૌદ્ધ ઇન્સ્ટિટ્યૂટ, દોચુલા પાસ, નેશનલ લાઇબ્રેરી ઑફ ભૂટાન અને રૉયલ બોટૈનિકલ ગાર્ડન જેવી શાનદાર જગ્યાઓ પર લોકો ફરવાનું પસંદ કરે છે.