ભૂતકાળની ભૂલો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં સમય ન બગાડો
ભૂતકાળની ભૂલો ….માત્ર એમાંથી બોધપાઠ લઈને આગળ વધો
મનુષ્ય જીવનમાં જેમ જેમ આગળ વધે તેમ તેમ તેને તેના અગાઉના વર્તન અને ર્નિણય માં ખુબ બાલિશતા નજરે પડે છે . દરેક પરિસ્થિતિનું આંકલન કરવામાં અને સમજવામાં તેનાથી કેટલી ચૂક થઇ એ સમજ પડે છે .
મેળવેલી દરેક સિદ્ધિ માનવીની પ્રયત્નોની મર્યાદારેખા છે ,એટલે એનાથી મુક્ત થવા માણસે વધારે મોટી સિદ્ધિ પ્રાપ્ત કરવાં પ્રયત્ન કરવાં જાેઈએ .આ વાતને જયારે વ્યક્તિ ભીતરથી સમજે ત્યારે તે પોતાની અગાઉની ભૂલોને પોતાના દિલ અને દિમાગથી અળગી કરીને જીવનમાં આગળ વધી નવી ચુનૌતીને પડકારી શકે છે .હોઈએ એના કરતાં પણ વધારે શક્તિશાળી બનવામાં આપણાં જીવનનું સાર્થક્ય સમાયેલું છે .
જીવનનું દરેક સંઘર્ષ આપણી ઝોળીમાં અનુભવનું ભાથું ઉમેરતું જાય છે ,એટલે નાહકની ચિંતા , કંઈક ગુમાવ્યાની નિરાશા અને જીવનની દોડમાં પાછળ રહી ગયાની ગ્લાનિ દૂર કરી નવાં શિખર પર મીટ માંડવી એજ ઉત્તમ પગલું છે .
જ્યાંસુધી આપણે આપણી આસપાસના લોકોને જજ બની મનમરજી પ્રમાણે આપણો ફેંસલો સંભળાવતા રહીશું ત્યાં સુધી એમના આત્મીય સ્વજનો અને મિત્રોની યાદીમાં શામિલ નહીં થઇ શકીયે .ભૂલો ચાહે આપણી હોય કે પછી આપણી આસપાસના કોઈ નજીકના વ્યક્તિની ,ક્ષમા કેમ આપવી એ સૌએ શીખી લેવું જાેઈએ .
અહંકાર આપણાં વિકાસની ઘણી બધી સંભાવનાઓને પોતાનાં પગ નીચે દબાવીને રાખે છે ,આ એક સચ્ચાઈ છે .તેથી પોતાની ભૂલોને રસ્તે મળેલી ગુરુ તરફથી શીખ સમજીને આગળ વધવું જાેઈએ .
જન્મ એટલે મૃત્યુની શરૂઆત .જન્મતાની સાથે આપણે ક્ષણે ક્ષણે થોડુંક મરીયે છીએ .જીવનરૂપી ઈમારતમાંથી રોજ એક એક કણ ખર્યા કરે છે ,અને આખરે એક દિવસ આપણને બધું નિરર્થક લાગવાં માંડે છે .આવા સમયે આપણને સંબંધોની ખોટ વર્તાય છે .આપણાં આપ્તજનો અને ખાસ મિત્રોની વાટ જાેવાય છે .
આ યાદી ત્યારે જ લાંબી થઇ શકે જયારે તમે ,દરેકે આપની સાથે ભૂતકાળ કરેલું ગેરવર્તન ,અન્યાય અને અપમાન ભૂલી જઈને તેઓને વધુ સ્પષ્ટતાથી ઓળખિયે ,એમની વધુ નજીક જાઇયે અને એમની અંદર રહેલા મનુષ્યત્વને અપનાવીએ અને એમના સંપૂર્ણ અસ્તિત્વને દિલથી સ્વીકારિયે .
દરેક મનુષ્યનું જીવન એક નિદ્રા અને વિસ્મૃતિ થી ગુંથાયેલું છે .જે આપણાં હાથ માંથી સરી ગયું છે , તેનો પશ્ચાતાપ ના કરો .આપણે કરેલાં પ્રયત્નોમાં ક્યાં ચૂક રહી ગઈ એ સમજીને જીવનના કેનવાસ પર લાગણી અને સમજણની પીંછી લઈને ઉત્સાહથી ભરેલાં અગણિત અવનવાં રંગો લઈને કંઈક નવું જ ચિત્ર દોરવાં આગળ વધો .
જાત સાથે થોડીક વાતો કરવાનો સમય પણ અચૂક કાઢો .આવનારા સમયમાં નવું શું મેળવવાં માંગો છો એની યાદી જરૂર બનાવો .પોતાને થયેલા વખતોવખતના અનુભવ પર થી જીવનની રૂપરેખા નક્કી કરો .
દુનિયા વિચારશીલ લોકો માટે સુખાન્તક નાટક છે અને લાગણીશીલ લોકો માટે દુઃખાન્તક નાટક ….
માટે વિચારશીલ વ્યક્તિ બનવું .પણ ,વધુ પડતાં લાગણીશીલ બની દરેકના વર્તનને બારીકાઈથી નીરખી તેઓને ગ્રેડ કરવાનું બંધ કરવું .વ્યવહારુ સમજ્ણશક્તિ દરેક સંબંધમાં તેની મધુરતા અકબંધ રાખે છે .
દરેક વ્યક્તિને અને તેની પરિસ્થિતિને સમજવાની પુરેપુરી કોશિશ કરવી .કોઈને બદલવાના પ્રયત્નો ના કરતાં એ જેવા છે એવા જ અપનાવવાની કળા આત્મસાત કરી લેજાે .ભૂલો ભૂલવા માટે જ હોય છે એ જરૂર યાદ રાખજાે.એકની એક ભૂલ ફરીથી કરવી એ ખોટું છે ,પણ થયેલી ભૂલો માંથી સાચું કારણ શોધી સફળતાનાં શિખર તરફ સંબંધોને સાચવીને સાથે લઈને આગળ વધવામાં જીવનનો સાચો પરમાર્થ છે .