ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહને મળી રાહત
નવી દિલ્હી, ૧૦૦ કરોડ રૂપિયાના વસૂલીના કેસમાં આરોપી મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે પરમબી સિંહની ધરપકડ પર રોક લગાવી છે. પરમબીર સિંહના વકીલે કહ્યું કે જાે કોર્ટ કહે તો પરમબીર સિંહ ૪૮ કલાકમાં સીબીઆઈ સામે હાજર થઈ શકે છે.
મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહના વકીલ પુનીત બાલીએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે પરમબીર સિંહ ભારતમાં જ છે. તેઓ વિદેશ ગયા નથી. તેમને પોલીસથી જીવનું જાેખમ છે. આથી તેઓ છૂપાઈ રહ્યા છે. તેઓ ફરાર થવા માંગતા નથી. આ મામલો સીબીઆઈને સોંપવામાં આવે તો પરમબીર સિંહ તરત હાજર થઈ જશે.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટની બેન્ચે પૂછ્યું કે ફોન પર જે વાતચીતથઈ તેની ટ્રાન્સક્રિપ્ટ ક્યાં છે? ત્યારે વકીલ પુનીત બાલીએ ટ્રાન્સક્રિપ્ટ રજુ કરી. પુનીત બાલીએ કહ્યું કે મારા અસીલને કયા પ્રકારે ધમકીઓ અપાઈ છે તે હું સ્પષ્ટ કરું છું. એક પછી એક તેમના વિરુદ્ધ ૬ એફઆઈઆર દાખલ કરાઈ. પોતાના કાર્યકાળ દરમિયાન જે લોકો વિરુદ્ધ તેમણે કાર્યવાહી કરી હતી તેમણે જ એફઆઈઆર દાખલ કરાવી છે.
અત્રે જણાવવાનું કે પરમબીર સિંહ વિરુદ્ધ મુંબઈ અને થાણામાં ભ્રષ્ટાચાર અને વસૂલીના ૫ કેસ દાખલ છે. પરમબીર સિંહ પર કેસની પતાવટના બદલામાં લાંચ માંગવાનો આરોપ છે. તેમના પર બિલ્ડર પાસેથી ૧૫ કરોડ રૂપિયાની ખંડણી માંગવાનો પણ આરોપ છે.
મુંબઈમાં પરમબીર સિંહ સહિત ૬ પોલીસકર્મીઓ વિરુદ્ધ કેસ દાખલ છે. એન્ટિલિયા બોમ્બ મામલે પણ તેમને સમન પાઠવવામાં આવ્યું હતું. પરમબીર સિંહ પર અનિલ દેશમુખ વિરુદ્ધ તપાસથી ભાગવાનો આરોપ છે. NIA એ ૪ વાર સમન પાઠવવા છતાં તેઓ કોર્ટમાં હાજર ન થયા. ઓગસ્ટમાં પરમબીર સિંહ વિરુદ્ધ લૂકઆઉટ નોટિસ બહાર પડી હતી.