ભૂતપૂર્વ PM મનમોહન સિંહના અંતિમ સંસ્કાર આવતીકાલે કરાશે
પાર્થિવ દેહને તેમના નિવાસ સ્થાને લવાયો
મનમોહન સિંહના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે આવતીકાલે સવારે ૮ થી ૧૦ દરમિયાન AICC ખાતે રાખવામાં આવશે
નવી દિલ્હી
દેશના બે વખતના વડાપ્રધાન અને ‘ભારતીય અર્થવ્યવસ્થાના ભીષ્મ પિતામહ’ એવા ડૉ. મનમોહન સિંહનું ગુરુવારે ૯૨ વર્ષની વયે અવસાન થયું છે. ઉંમર સંબંધિત સમસ્યાઓના કારણે ગુરુવારે રાત્રે ૮ઃ૦૬ વાગ્યે તેમને ગંભીર હાલતમાં દિલ્હીના AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. થોડા સમય બાદ રાત્રે ૯ઃ૫૧ કલાકે હોસ્પિટલે તેમના મૃત્યુની જાહેરાત કરી હતી. તેમના નિધનથી દેશભરમાં શોકની લહેર ફેલાઇ ગઇ છે. તેમના નિધનને કારણે શુક્રવારે યોજાનાર તમામ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારે ૨૬ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ એઈમ્સ હોસ્પિટલમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન બાદ સમગ્ર દેશમાં ૨૬ ડિસેમ્બર, ૨૦૨૪ થી ૧ જાન્યુઆરી, ૨૦૨૫ સુધી સાત દિવસના રાજ્ય શોકની જાહેરાત કરી છે. આ સમયગાળા દરમિયાન, નવી દિલ્હીમાં તમામ સરકારી સંસ્થાઓ પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ઝુકાવવામાં આવશે અને તમામ સત્તાવાર કાર્યક્રમો સ્થગિત રહેશે. તમામ હાઈ કમિશનર અને દૂતાવાસોમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.
આ આદેશ ભારત સરકાર દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોને જારી કરવામાં આવ્યો છે.મનમોહન સિંહના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે આવતીકાલે સવારે ૮ થી ૧૦ દરમિયાન AICC ખાતે રાખવામાં આવશે. રાહુલ ગાંધી, સોનિયા ગાંધી સહિત તમામ મોટા નેતાઓ AICC હેડક્વાર્ટરમાં પૂર્વ પીએમને શ્રદ્ધાંજલિ આપશે. આ પછી AICC થી જ તેમની અંતિમ યાત્રા શરૂ થશે.રાજઘાટ પાસે દેશના વડાપ્રધાનોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે, ત્યાં જ ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ મનમોહન સિંહના અંતિમ સંસ્કાર માટે અટલ બિહારી વાજપેયીની જેમ જગ્યાની માંગ કરશે. ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે.ss1