ભૂતાન સરહદે 12000 ફૂટની ઊંચાઈએ વધુ 22 ચોકી ઊભી કરાઈ
ભુતાન, ચીનનો રંગબદલુ સ્વભાવ જોઈને ભારતે સાવધાની રાખવાની શરૂઆત કરી દીધી છે. પશ્ચિમે લદ્દાખ સરહદે જંગી લશ્કરી તૈનાતી પછી હવે ભુતાન સરહદે સતર્કતા વધારાઈ છે. ભારત-ભુતાન સરહદે 12 હજાર કરતા વધુ ફીટની ઊંચાઈએ નવી 22 બોર્ડર આઉટ પોસ્ટ (ચોકી) ઉભી કરી દેવામાં આવી છે. ભારત-ચીન વચ્ચે 2017માં મોટો સંઘર્ષ ભુતાનના દોકલામ વિસ્તાર મામલે જ થયો હતો.
આ ચોકી સશસ્ત્ર સીમા બળ (એસએસબી)ના જવાનો માટે બનાવાઈ છે. એસએસબી માટે ભારત-ભુતાન સરહદે કુલ 734 ચોકીઓ બનાવાની હતી, જેમાંથી 722 બની ચૂકી છે. હવે માત્ર 22 જ બાકી છે. આ નવી 22 પોસ્ટ બહુ ટુંકા સમયમાં બનાવાઈ છે. તેના દ્વારા ભારત-ચીન-ભુતાન સરહદના ત્રિભેટા પર વધારે સતર્કતાથી ધ્યાન રાખી શકાશે.
એસએસબીએ ભારતીય સૈન્ય કે સંરક્ષણ મંત્રાલયનો નહીં પણ ગૃહ મંત્રાલયનો ભાગ છે. આ ફોજનું કામ નેપાળ-ભુતાન સરહદેે ચોકી પહેરો ભરવાનું છે.એસએસબીના અધિકારીએ જણાવ્યું હતું કે ભારત-ભુતાન-ચીનનો ત્રિભેટો 2017માં મહિનાઓ લાંબા ચાલેલા દોકલામ વિવાદનું કારણ બન્યો હતો. હવે એવુ ન થાય એ માટે અમે એક પણ સેકન્ડ સરહદેથી નજર હટાવવા માંગતા નથી.