ભૂમાફિયાઓને અંકુશમાં લઇ ખેડૂતો અને કાયદેસરના જમીન માલિકોના હિતોનું રક્ષણ કરવાની સંકલ્પબદ્ધતા સાથે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટનો કડક અમલ : વિજય રુપાણી
સામાન્ય માનવી-ખેડૂતો-ગ્રામીણ નાગરિકોની જમીન હડપ કરનારાઓ સામે કાનૂની સકંજો કસવાની શ્રી વિજયભાઇ રૂપાણી સરકારની પ્રતિબદ્ધતા સાથે રાજ્યમાં આજે બુધવાર ૧૬ ડિસેમ્બર ૨૦૨૦થી કાયદાનો કડક અમલ થશે
આ કાયદા અન્વયે મળતી ફરિયાદોની સર્વાંગી ચકાસણી માટે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં ૭ અધિકારીઓની કમિટીની રચના
દરેક તબક્કે તપાસ પ્રક્રિયાની સમયસીમા નક્કી કરાઇ છે
કમિટી સમક્ષ રજૂ થયેલ તપાસ અહેવાલ પર ર૧ દિવસમાં નિર્ણય કરવાનો રહેશે
સરકારી જમીન પચાવી પાડવાની કે માથાભારે તત્વોએ જમીન પચાવી પાડી હોય તેવા કિસ્સામાં કમિટીના અધ્યક્ષ તરીકે કલેકટર અને રાજ્ય સરકાર જાતે સુઓમોટો પગલાં લઇ શકશે
વિશેષ અદાલત-સ્પેશ્યલ કોર્ટ પણ સુઓમોટો સંજ્ઞાન લઇને જમીન હડપ કરનારાઓ સામે કાયદાનુસાર પગલાં લેવા જિલ્લા કલેકટરની અધ્યક્ષતાની સમિતીને તપાસ કરવા આદેશ-સૂચનાઓ આપી શકશે
જમીન હડપ કરવાના કેસોની ઝડપી સુનાવણી અને ભૂમાફિયાઓને કડક સજા માટે સ્પેશ્યલ કોર્ટ
દરેક સ્પેશ્યલ કોર્ટમાં એક સરકારી વકીલની નિમણૂંક કરાશે
૬ મહિનામાં વિશેષ કોર્ટમાં આવા કેસનો નિકાલ સુનિશ્ચિત કરાશે
વિશેષ અદાલતને દિવાની અને ફોજદારી બેય પ્રકારની અદાલતી કાર્યવાહી હાથ ધરવાની સત્તાઓ અપાશે
સામાન્ય માનવીને ઝડપી યોગ્ય ન્યાય અને કસૂરવાર ભૂમાફિયાને કડક સજા મળશે
આક્ષેપ ખોટા હોવાનું પૂરવાર કરવાની જવાબદારી ભૂમાફિયાના શિરે રહેશે
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં સરકારી, સામાન્ય ખેડૂતોની, ખાનગી વ્યક્તિની માલિકીની તેમજ જાહેર ટ્રસ્ટ-ધર્મસ્થાનકોની જમીન ગેરકાયદે કબજો મેળવી લઇ હડપ કરી જનારા ભૂમાફિયાઓ સામે કાયદાકીય શસ્ત્ર ઉગામવા ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટના નિયમો-કાનૂની જોગવાઇઓના કડક અમલની કાર્યયોજના જાહેર કરી છે.
રાજ્ય મંત્રીમંડળે લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટ-ર૦ર૦ના પ્રસ્તાવને મંજૂર કર્યા બાદ રાજ્યપાલશ્રીની અનૂમતિથી આ એકટને વિધેયકનું સ્વરૂપ મળતાં તેની કાયદાકીય જોગવાઇઓ-નિયમોનો હવે મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં તાત્કાલિક અસરથી અમલ કરવાનો મક્કમ નિર્ધાર કર્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતની પારદર્શી, સંવેદનશીલ અને ગરીબ-ખેડૂત-સામાન્ય માનવીની ચિંતા કરનારી આ સરકારે ઐતિહાસિક નિર્ણય લઇને લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટ-ર૦ર૦ની કાયદાકીય જોગવાઇઓનો આજે બુધવાર ૧૬ ડિસેમ્બર ૨૦૨૦થી કડક અમલ કરવાનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ કાયદાકીય જોગવાઇઓની વિસ્તૃત વિગતો આપી હતી. તેમણે આ સંદર્ભમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, સામાન્ય ખેડૂતોની જમીન ભૂમાફિયાઓએ હડપ કરી હોવાની ફરિયાદો અને તેમને રાતા પાણીએ રોવડાવ્યા હોવાની કેટલીક ઘટનાઓ સરકારના ધ્યાનમાં આવી હતી.
જેને અનુલક્ષીને રાજ્યના એકપણ ખેડૂતની કિંમતી જમીન કોઇ ભૂમાફિયો પચાવી ન પાડે તેવા હેતુથી તથા આવા ગુનેગારો-લેન્ડ ગ્રેબરો-ભૂમાફિયાઓની શાન ઠેકાણે લાવવા તેમજ તેમને કડક પાઠ ભણાવવાના મક્કમ ઇરાદા સાથે રાજ્ય સરકારે આ સખતમાં સખત ક્રિમિનલ કાયદો અમલી બનાવવાનું સુનિશ્ચિત કર્યુ છે.
ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડવાની આવી ગૂનાહિત પ્રવૃત્તિઓ કરતા ભૂમાફિયા કે કોઇ પણ ચમરબંધીઓને આ સરકાર છોડવા માંગતી નથી. રાજ્યમાં જમીન પચાવી પાડવાની પ્રવૃત્તિઓ ડામી દેવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. તેવા સ્પષ્ટ સંકેત સાથે આ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટનો અમલ નવું સિમાચિન્હરૂપ બની રહેશે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.
હવે આ કાયદાની કડક શિક્ષાત્મક જોગવાઇઓને લીધે કિંમતી જમીનો પચાવી પાડવાની બનતી ગંભીર ઘટનાઓ પર રોક લાગશે અને ભૂમાફિયાઓ આવી ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતા ફફડશે. આ કાયદા હેઠળ ગૂનેગારોને દોષિત ઠરેથી ઓછામાં ઓછી દસ વર્ષ અને વધુમાં વધુ ચૌદ વર્ષ સુધીની કેદ તેમજ મિલકતોની જંત્રીની કિંમત સુધીના દંડને પાત્ર રહેશે.
મુખ્યમંત્રીશ્રીએ આ લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટને વધુ વ્યાપક અને કડક સજા કરી ભૂમાફિયાઓને નશ્યત કરી શકાય તેવો સકંજો કસતો એકટ બનાવવા જે જોગવાઇઓ સુનિશ્ચિત કરવામાં આવી છે તેની વધુ વિગતો આપી હતી.
આ કાયદાની આડ લઇને કોઇ લે-ભાગુ તત્વો કોઇની જમીનમાં ખોટી ફરિયાદ કે અરજી કરીને તેનું ટાઇટલ બગાડવાની પ્રવૃત્તિ ન કરે તે માટે લેન્ડ ગ્રેબિંગ એકટ અન્વયે મળતી ફરિયાદોની સર્વાંગી ચકાસણી માટે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવી છે.
જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક તથા મ્યૂનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર ઉપરાંત શહેરી વિકાસ સત્તામંડળના સી.ઇ.ઓ આ સમિતિના સભ્યો રહેશે તથા જિલ્લાના અધિક નિવાસી કલેકટર સભ્ય સચિવ તરીકે કાર્ય કરશે.
એક વિશેષ જોગવાઇ એવી પણ કરવામાં આવી છે કે, સરકારી જમીન પચાવી પાડવાના કે ગેરકાયદેસર કબજો કરવાના કિસ્સામાં કે કોઇ માથાભારે તત્વોના કિસ્સામાં જિલ્લા કલેકટરને અને રાજ્ય સરકારને આપમેળે-સુઓમોટો પગલાં લેવાની સત્તા આપવામાં આવી છે.
આના પરિણામે રાજ્યમાં ભૂમાફિયાઓ સામે કોઇની પણ શેહશરમ કે દબાણ આપ્યા સિવાય પગલાં ભરી શકાશે.
આ કમિટીની બેઠક ફરજિયાતપણે દર ૧પ દિવસે યોજાશે. કમિટી સમક્ષ સભ્ય સચિવ જે ફરિયાદો રજૂ કરશે તેની તપાસ માટે જે-તે પ્રાંત અધિકારીએ અન્ય સક્ષમ અધિકારીને તપાસ સોંપશે.
મુખ્યમંત્રીશ્રીએ આવી ફરિયાદોની તપાસ લાંબાગાળા સુધી પડતર ન રહે તે હેતુસર તપાસના પ્રથમ તબક્કાથી જ દરેક સ્ટેજ માટે પ્રક્રિયાની સમયમર્યાદા નિશ્ચિત કરી છે.
તદઅનુસાર, તપાસ અધિકારીએ કોઇપણ વિભાગ પાસેથી પાંચ દિવસમાં માહિતી મેળવવાની રહેશે.
આવી તપાસમાં પ્રથમ દર્શી રીતે ફરિયાદ કરનારનું હિત સંકળાયેલુ છે કે કેમ તેમજ મહેસૂલી ટાઇટલ તે વ્યકિતના નામે છે અને ખરેખર કાયદાનો ભંગ થયાનું કૃત્ય છે તેવી સંપૂર્ણ તપાસ સાથે પ્રથમ દર્શનીય અહેવાલ સમિતીને તપાસ અધિકારી સોંપશે.
એટલું જ નહિ, બળપ્રયોગ, ધાક ધમકી, લોભ લાલચ કે છેતરપીંડીથી આવી જમીનનો કબજો મેળવાયો છે કે કેમ તેનો પણ અહેવાલ આપશે.
જિલ્લા કલેકટરની અધ્યક્ષતાની કમિટી સમક્ષ આવો તપાસ અહેવાલ રજૂ થાય તેના ર૧ દિવસમાં કમિટીએ નિર્ણય લેવો પડશે.
આ કમિટી એવા નિષ્કર્ષ પર આવે કે લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટ અંતર્ગત આવરી લેવા યોગ્ય આ ગૂનો છે, ત્યારે કમિટી પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય જાહેર કરે ત્યારે આવા નિર્ણયના એક સપ્તાહ-૭ દિવસમાં પોલીસ અધિકારી દ્વારા ફરિયાદ નોંધવી પડશે.
એટલું જ નહિ, ફરિયાદ FIR નોંધાય તેના ૩૦ દિવસમાં સંપૂર્ણ તહોમતનામું આ કાયદાના અમલ માટેની ખાસ અદાલત-સ્પેશ્યલ કોર્ટમાં રજૂ કરવાનું રહેશે.
આ કાયદા અન્વયેના ગૂનાઓની તપાસ નાયબ પોલીસ અધિક્ષક DYSP ના દરજ્જાના અધિકારી કરશે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે જમીન પચાવી પાડવાના આવા કેસોમાં ગૂનેગારને ઝડપી શિક્ષા થાય અને ન્યાય તોળાય તે આવશ્યક છે. આ હેતુસર આવા જમીન હડપ કરવાના કેસોની ઝડપી સૂનાવણી થાય તેમજ ભૂમાફિયાઓને કડક સજા થાય તે માટે વિશેષ ‘અદાલત’-‘સ્પેશ્યલ કોર્ટ’ની પણ રચના કરવાનો નિર્ણય કર્યો છે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે આ કાયદાની જોગવાઇઓ તાત્કાલિક ધોરણથી અમલમાં આવતાં અસરકારક અમલીકરણ થવાથી જમીનોનો ગેરકાયદેસર કબજો લેનાર, આવી જમીનો ઉપર ગેરકાયદે બાંધકામ માટે નાણાંકીય સહાય કરનાર તેમજ આવી જમીનોના ભોગવટેદારો પાસેથી ગુનાહિત ધાક ધમકીથી ભાડું, વળતર કે અન્ય વસુલાત કરે કે તેમાં મદદગારી કરે તેવી તમામ વ્યક્તિઓ જમીન પચાવી પાડનાર વ્યક્તિની વ્યાખ્યામાં સમાવિષ્ટ થઇ જશે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં શહેરો-નગરો-મહાનગરોની સર્વાંગી વિકાસ યાત્રાને વેગવંતી બનાવવા ઊદ્યોગ-વેપાર-ખેતી-પશુપાલન તેમજ રોજગાર અવસરોના વ્યાપથી જમીનોના મહત્તમ યોગ્ય ઉપયોગ દ્વારા ઉત્તમથી સર્વોત્તમ ગુજરાતના નિર્માણની નેમ સેવી છે.
આ નેમને સાકાર કરવાની દિશામાં ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટનું અમલીકરણ નવું સિમાચિન્હ બનશે તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.