ભેંસો માટે ચારો લેવા જતા સરભાણના યુવાનની બાઈક સ્લીપ થતાં મોત
વડોદરા એસ.એસ.જી.હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: આમોદ તાલુકાના સરભાણ ગામે અલકાપુરી ફળિયામાં રહેતો યુવાન પોતાની ભેંસો માટે ચારો લેવા માટે બાઈક લઈને ખેતરમાં જતો હતો.ત્યારે રોડ ઉપર બાઈક સ્લીપ થતાં ફંગોળાઈ જતાં તેને માથામાં તથા ગાળાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું.
આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આમોદ તાલુકાના સરભાણ ગામે અલકાપુરી ફળિયામાં રહેતા જેસીંગ રામસંગ વાઘરી પોતાના ઘરે ભેંસો રાખતો હોય ભેંસો માટે ઘાસચારો લેવા માટે પોતાની બાઈક લઈને ખેતરમાં જવા નીકળ્યો હતો.ત્યારે સરભાણ – ચકલાદ વચ્ચે રોડ ઉપર બાઈક સ્લીપ ખાઈ જતાં તે ફંગોળાયો હતો
તેને માથામાં તથા ગળાના ભાગે ગંભીર ઈજાઓ થતાં સૌ પ્રથમ તેને ૧૦૮ મારફતે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો હતો.જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું.આમોદ પોલીસે અકસ્માત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી હતી.