ભેદભાવથી દૂર રહીને સમાજ પ્રત્યે જવાબદાર બનીએ: કોરોના સંક્રમણ સામે લોકોને જાગૃત કરીએ એ જ આજના સમયનો સાચો શિક્ષક ધર્મ છે. રાજ્યપાલ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/IMG_9587-1024x617.jpg)
કોરોનાના કપરા કાળમાં સમાજ અને બાળકોના હિતમાં શિક્ષકોએ સઘન જવાબદારી નિભાવવી પડશે: શિક્ષક માટે બાળકનું હિત સર્વોપરી – શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા.
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે બાયસેગના માધ્યમથી રાજ્યભરના ત્રણ લાખ જેટલા શિક્ષકોને સંબોધતા જણાવ્યું હતું કે :”ભારતીય સંસ્કૃતિમાં શિક્ષકોનું સ્થાન દેવતુલ્ય માનવામાં આવે છે. દેશને જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ગુરુજનોએ દેશનું દિશાદર્શન કર્યું છે.
કોરોના સંક્રમણની વર્તમાન પરિસ્થિતિમાં લોકોને જાગૃત કરવામાં શિક્ષકોની ભૂમિકા મહત્ત્વની હોવાનું જણાવતાં રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું કે ભેદભાવથી દુર રહીને સમાજ પ્રત્યે જવાબદાર બનીએ, કોરોના સંક્રમણ સામે લોકોને જાગૃત કરીએ, એ જ આજના સમયનો સાચો શિક્ષક ધર્મ છે.”
રાજ્યપાલશ્રીએ આ તકે જણાવ્યું હતું કે ‘’ બાળકને પોતાના શિક્ષણમાં વિશ્વાસ હોય છે ત્યારે શિક્ષકો બાળક અને તેના પરિવારજનોને કોરોના સંક્રમણથી બચવા પ્રેરિત કરે , તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં છેવાડાના ગામ સુધી શિક્ષકોની હાજરી છે ત્યારે ગામમાં કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકાવવા શાળામાં કે ગામના કોમ્યુનિટી હોલમાં આઈસોલેશન સેન્ટર બનાવી કોરોનાગ્રસ્ત દર્દીઓને આઈસોલેટ કરવામાં શિક્ષકો મોટી ભૂમિકા ભજવી શકે છે. આ માટે ગામના સરપંચ- અગ્રણીઓનો સહયોગ લેવા પણ રાજ્યપાલશ્રી અનુરોધ કર્યો હતો.’’
આગામી ૧લી મેથી શરૂ થઈ રહેલા ૧૮ વર્ષથી ઉપરની ઉંમરના યુવાઓના રસીકરણ અભિયાનમાં પણ શિક્ષકો સક્રિય ભૂમિકા ભજવે તેવો અનુરોધ પણ રાજ્યપાલશ્રીએ કર્યો હતો. આ તકે શિક્ષકોને ખાસ અનુરોધ કરતાં જણાવ્યું હતું કે જ્યારે પણ બાળક સાથે શિક્ષણ કાર્યની શરૂઆતમાં સૌથી પહેલો પાઠ કોરોના સંક્રમણથી કઈ રીતે બચવું,
તેનો ભણાવવા ઉપરાંત બાળકમાં કોરોનાનો ડર દૂર થાય, હતાશા દૂર થાય અને તેમનું મનોબળ મજબૂત થાય તેવા પ્રયાસો કરવા. રાજ્યપાલશ્રીએ એમ પણ જણાવ્યું હતું કે શિક્ષકો હંમેશા સ્વાર્થ માટે નહીં, પરમાર્થ માટે – સમાજ માટે પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપે છે.
રાજ્યપાલશ્રીએ રાજભવન ખાતે શરૂ કરાવેલા કોરોના સેવાયજ્ઞ દ્વારા પાયાના એક લાખ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને જીવન ઉપયોગી કીટ વિતરણની માહિતી પણ આપી હતી. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા રાજ્યના શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે શિક્ષક માટે બાળકોનું હિત જ સર્વોપરી હોય છે ત્યારે કોરોનાના કપરા કાળમાં સમાજ અને બાળકોના વિશાળ હિતમાં શિક્ષકોએ સઘન જવાબદારી નિભાવવી પડશે.
વિદ્યાર્થીઓ કોરોના સંક્રમણના કપરા કાળમાં માનસિક તણાવ અનુભવે નહીં તેની કાળજી રાખવી. શિક્ષકો સમયાંતરે વિદ્યાર્થી-વાલીનું કાઉન્સિલિંગ કરે તેવો અનુરોધ શિક્ષણમંત્રીશ્રીએ કર્યો હતો. ગમે તેવા પડકારો વચ્ચે પણ શિક્ષણ કાર્ય ક્યારેય અટકશે નહીં. ટેકનોલોજીના સહારે અવિરત અને સઘન શિક્ષણ માટે શિક્ષકોને સજ્જ થવાની શિક્ષણ મંત્રીશ્રીએ પ્રેરણા પૂરી પાડી હતી અને જણાવ્યું હતું કે આ કપરી કસોટીમાંથી શિક્ષકોએ પણ ઉત્તીર્ણ થવાનું છે.
કાર્યક્રમની શરૂઆતમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ શ્રી એ.જે શાહે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરી આ સંવાદ કાર્યક્રમની ભૂમિકા રજૂ કરી હતી. પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી એમ.આઈ.જોષીએ કાર્યક્રમના અંતે આભારદર્શન કર્યું હતું.