ભોજપુરા સહિત પાંચ ગામના ખેડૂતો સિંચાઈ સુવિધાથી વંચિત.

ઘોઘંબાના ગોયસુંડલ તળાવની સિંચાઈ યોજના શોભા ના ગાંઠિયા સમાન !!
ખેડૂતોને સિંચાઈ સુવિધા આપવા માટે બનાવવામાં આવેલી કેનાલ એકદમ જર્જરિત હાલતમાં.
ગોધરા,ઘોઘંબા તાલુકાના ગોયસુંડલ સિંચાઈ તળાવ આધારિત સિંચાઈ સુવિધા જર્જરિત કેનાલને અભાવે આ વિસ્તારના પાંચ જેટલા ગામના ખેડૂતો માટે શોભા ના ગાંઠિયા સમી બની છે.અહીં કેનાલમાં બે થી અઢી કીમી સુધી માંડ સીઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે કેનાલ મારફતે પાણી પહોંચી રહ્યું છે.ભોજપુરા ગામના ખેડૂતોના મતે તો પાછલા દશ વર્ષમાં તેઓના ગામની કેનાલમાં પાણી આવ્યું જ નથી.ત્યારે નાની સિંચાઈ વિભાગ આધારિત આ જર્જરિત કેનાલની મરામત કરવામાં આવે એવી સ્થાનિક ખેડૂતોમાં માંગ ઉઠી છે.
ઘોઘંબા તાલુકાના મધ્ય અને પૂર્વ વિસ્તારમાં સિંચાઈ સુવિધાના અભાવે ખેડૂતો માત્ર ચોમાસાની ખેતી ઉપર જ નિર્ભર છે.અહીં કેટલાક ખેડૂતો પોતાના કુવા કે બોરવેલની મદદથી શિયાળુ પાકનું વાવેતર કરતાં હોય છે.પરંતુ આ સુવિધા તમામ ખેડૂત નાણાં ખર્ચી ઉભી કરી શકે એવી પરિસ્થિતિ નથી જેથી આ વિસ્તારના ખેડૂતો સરકાર પાસે સતત કેનાલ થકી સિંચાઈ માટે સુવિધા આપવા માંગ કરતાં હોય છે.
બીજી તરફ પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જિલ્લા પંચાયત હસ્તક કાર્યરત નાની સિંચાઈ વિભાગ દ્વારા મોટા સિંચાઈ તળાવો મારફતે કેનાલ થકી સિંચાઈ સુવિધા નજીકના ગામો માં પુરી પાડવામાં આવે છે જેથી ઉક્ત વિસ્તારના ખેડૂતો ચોમાસા સિવાય અન્ય ઋતુમાં પણ ખેતી કરી શકે.આવી જ એક સુવિધા ગોયસુંડલ ગામના સિંચાઈ તળાવ (ડેમ) આધારિત ઉભી કરવામાં આવી છે.
આ સિંચાઈ કેનાલ મારફતે ગુણેશિયા,ભોજપુરા,ઝબૂવાણીયા, કાંટાવેડા ગામોના ખેડૂતોને પાણી પૂરું પાડવા માટે યોજના બનાવવામાં આવી છે.પરંતુ આ કેનાલની મરામત નહિં કરવામાં આવતાં તદ્દન જર્જરિત હાલતમાં ફેરવાઈ ગઈ છે.કેનાલમાં સાફ સફાઈના અભાવે ઝાડી ઝાંખરાનું સામ્રાજ્ય ખડકાયું છે.અહીંના ખેડૂતોના જણાવ્યા મુજબ પાછલા દશ વર્ષમાં આ કેનાલમાં પાણી જોવા મળ્યું નથી.સરકાર દ્વારા ખેડૂતોને લાભ આપવા માટે આ કેનાલ બનાવવામાં આવી છે.
પરંતુ અહીં કોઈ દરકાર લેતું જ નથી વારંવાર આ અંગે અગાઉ રજૂઆતો પણ કરવામાં આવી છે તેમ છતાં કેનાલની મરામત કરવામાં આવી નથી જેથી સરકારની ખેડૂતોને સુવિદ્યા આપવાની મોટી જાહેરાતો દીવાસ્વપ્ન સમી હોવાનો રોષ અહીંના ખેડુતો ઠાલવતા જોવા મળી રહ્યા છે. બોક્સ:કેનાલના જર્જરિત ભાગનું સરવે કરવામાં આવ્યું છે.
જેનો અહેવાલ સરકારમાં મોકલાશે:ના.કા.ઇ ગોયાસુન્ડલ સિંચાઈ તળાવ આધારિત કેનાલ સાથે જોડાયેલા કેટલાક ગામો સુધી પાણી પહોંચી શકતું નથી જે અંગેની બાબત ધ્યાનમાં આવતાં જ સરવે કરાવવામાં આવ્યું છે જેમાં કેટલાક નાળા અને કેનાલની અંદરનો ભાગ જર્જરિત જણાય આવ્યો છે જે અંગે અહેવાલ તૈયાર કરવામાં આવ્યો જે સરકારમાં મરામત માટેની મંજૂરી માટે રજૂ કરવામાં આવનાર છે.
એમ નાની સિંચાઈ વિભાગ ઘોઘંબાના નાયબ કાર્યપાલક ઈજનેર જે. કે. પંચોલીએ વાતચીતમાં જણાવ્યું હતું સાથે જ તેઓએ આગામી વર્ષે ખેડૂતો ને આ કેનાલ મારફતે શક્ય હોય ત્યાં સુધી પાણી પહોંચાડવાનો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. બોક્સ:દશ વર્ષથી અમે કેનાલમાં પાણી જોયું નથી:ગોપાલભાઈ સોલંકી ભોજપુરા ગામના ખેડૂત અગ્રણી ગોપાલભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે અમારા ગામમાં ગોયાસુન્ડલ ડેમ માંથી આવતી કેનાલ પસાર થાય છે જેની હાલત ખૂબ જ ભંગાર થઈ ગઈ છે.
અહીં કોઈ રીપેરીંગ કરવા આવતું જ નથી.દશ વર્ષથી તો અમે જ અહીં સિંચાઈ માટે ખેડૂતોને પાણી આપવામાં આવ્યું હોય કે કેનાલમાં પાણી આવેલું જોયું જ નથી. અમારા વિસ્તારમાં સિંચાઈ બીજી કોઈ સુવિધા નથી ત્યારે સરકાર દ્વારા આ કેનાલ રીપેરીંગ કરી અમને પાણી આપે તો અમે ચોમાસા સિવાય અન્ય સીઝન માં ખેતી કરી શકીએ .વધુમાં તેઓએ રોષભેર પોતાની હૈયાવરાળ ઠાલવતા જણાવ્યું હતું કે સરકાર પાઈપલાઈન થી
તળાવો ભરવાની યોજના અમલમાં લાવી છે પણ તળાવથી ખેતરમાં પાણી પહોંચાડવા માટે પહેલા કેનાલ સારી બનાવે પછી મોટી મોટી જાહેરાતો કરે.બોક્સ:સરકારમાં અમે પણ અમારા ગામમાં કેનાલ મારફતે પાણી મળે એ માટે રજુઆત કરીશું:નરેન્દ્રસિંહ પરમાર આ વિસ્તારના રાજકીય અગ્રણી અને ખેડૂત નરેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું.
અમારા વિસ્તારમાં આવેલા પાંચ ગામના ખેડૂતોમાં અમારી જર્જરિત કેનાલની જલ્દી મરામત કરી સિંચાઈ માટે પાણી આપવામાં આવે એવી રજુઆત મળી છે જેથી અમે પણ સરકારના સંલગ્ન વિભાગમાં અંગે ખેડૂતોની રજુઆત પહોંચાડવા માટે સતત પ્રત્યનશીલ છીએ અને ખેડૂતોને આ કેનાલ મારફતે પાણી મળી રહે સાથે અન્ય સિંચાઈ સુવિધા ઉભી કરવા માટે પણ રાજય સરકારમાં લેખિતમાં રજુઆત કરી છે.
તસ્વીર: મનોજ મારવાડી, ગોધરા