ભોપાલમાં મૃતદેહ હોસ્પિટલ બહાર રોડ ઉપર ફેંકી દેવાયો
સીસીટીવી ફૂટેજમાં ખુલાસો થયોઃ સોમવારની ઘટનામાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર મૃતદેહ મૂકીને જતો જોવા મળે છે
ભોપાલ, મધ્યપ્રદેશના પાટનગર ભોપાલમાં એક હેરાન કરનાર ઘટના બની છે. અહીંયા કોરોના વાયરસથી જીવ ગુમાવનાર વ્યક્તિના મૃતદેહ એક હોસ્પિટલની બહાર રોડ પાસે છોડીને એમ્બ્યુલન્સ જતી રહી હોવાનો કિસ્સો બન્યો છે. સોમવારે અહીંયા એક હોસ્પિટલની બહાર એક દર્દીનું મોત થયું હતું. મોત પહેલા દર્દીને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવા લઈ જવાઈ રહ્યું હતું. પરંતુ દર્દીનું મોત થઈ જતાં એમ્બ્યુલન્સનો ડ્રાઈવર મૃતદેહને ત્યાં જ જમીન પર છોડીને ભાગી ગયો હતો. સમગ્ર ઘટનાની વિગત એવી છે કે ૫૯ વર્ષીય વાજિદ અલીને કિડનીની સમસ્યા હોવાના કારણે ભોપાલની પીપલ્સ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેને શ્વાસ સંબંધિત બીમારી હતી. બાદમાં સોમવારે સાંજે રિપોર્ટ આવ્યા અને જેમાં પુષ્ટિ કે તેમને કોરોના વાયરસની બીમારી છે. એટલે તરત વાજીદ અલીને ચિરાયુ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા. આરોપ છે કે તેમની મોત થયા બાદ એમ્બ્યુલન્સ ડ્રાઈવર, જે તેમને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવા લઈ જઈ રહ્યો હતો, એ વાજીદ અલીના મૃતદેહને ત્યાં જ રોડ પાસે જમીન પર મૂકીને જતો રહ્યો હતો.
મૃતક વાજીદ અલીના પુત્ર આબિદ અલીએ કહ્યું કે મને ખબર નથી કે એમ્બ્યુલન્સમાં શું થયું, પરંતુ જિલ્લા વહીવટીતંત્રે તેમને ચિરાયુ હોસ્પિટલમાં શિફ્ટ કરવાના હતા અને એમ્બ્યુલન્સ પણ મોકલી તો તેમને રોડ પર કેમ છોડી દેવામાં આવ્યા ? આ ઘટનામાં બંને હોસ્પિટલની ભૂલ છે, જ્યારે હોÂસ્પટલોએ અમને કોઈ માહિતી આપી નથી. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં પીપીઈ કિટ પહેરેલા કેટલાક સ્વાસ્થ્ય કર્મીઓ મૃતદેહને સ્ટ્રેચર પર રાખી રહ્યા છે.
બીજી તરફ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એમ્બ્યુલન્સમાં દર્દીને હોસ્પિટલ લઈને આવેલાં કેટલાક સ્વાસ્થ્ય કર્મીઓ મૃતદેહને ગાડીથી નીચે ઉતારીને હોસ્પિટલની સામે મૂકી જતા રહે છે. આ મામલે પીપલ્સ હોસ્પિટલ અને ચિરાયુ હોસ્પિટલ એકબીજા પર દોષોરોપણ કરી રહી છે. સમગ્ર ઘટનાની ગંભીરતા સમજીને ભોપાલના કલેક્ટર અવિનાશ લવાનિયાએ પીપલ્સ હોસ્પિટલ પાસે ખુલાસો માંગ્યો છે.