ભ્રષ્ટાચારની ચરમસીમા – ગેરકાયદેસર બાંધકામ તોડવા રજાના દિવસે પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવી
ભૂ-માફીયાઓને બચાવવા પ્રયાસ કરતા દક્ષિણઝોનના ડે.એસ્ટેટ ઓફીસરને ચાર્જશીટ આપવા માંગણી |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ 06062019: મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણઝોનમાં છેલ્લા બે વર્ષથી ભૂ-માફીયાઓ બેફામ બની ગયા છે. જેના માટે દક્ષિણઝોન ના ડે. મ્યુનિ.કમીશ્નર અને ડે.એસ્ટેટ ઓફીસર જવાબદાર છે.આ બંને અધિકારીઓ ભ્રષ્ટાચાર ની તમામ હદ વટાવી ચુકયા હોવાના આક્ષેપો પણ થતા રહે છે. ઝોનના ઉચ્ચઅધિકારીઓ ભ્રષ્ટાચારમાં એટલી હદે ગળાડુબ થઈ ગયા છે. તેમને વર્કીગ-ડે કે રજાના દિવસનું પણ ભાન રહેતું નથી.
ગેરકાયદેસર બાંધકામોને તોડવા માટે ઉચ્ચકક્ષાએથી દબાણ આવે છે. ત્યારે દેખાવ ખાતર પોલીસ બંદોબસ્ત માંગવામાં આવે છે તે બાબત જુની થઈ ગઈ છે. નવી અને શરમજનક બાબત એ છે કે ઉચ્ચ અધિકારીઓને ગેરમાર્ગે દોરવા માટે કે કામગીરી દર્શાવવા માટે જે પોલીસ બંદોબસ્ત માંગવામાં આવે છે. તે પણ ભ્રષ્ટાચારમાં શાન-ભાન ભુલી ને બેઠેલા અધિકારીઓએ રજાના દિવસે માંગ્યો હોવાની વિગતો બહાર આવી છે. !
દક્ષિણઝોન ગેરકાયદેસર બાંધકામોનું હબ બની ગયું છે. ઝોનના ઈસનપુર, લાંભા, વટવા, મણીનગર, બહેરામપુરા અને દાણીલીમડા વોર્ડમાં ઝોનના ઉચ્ચ અધિકારીઓની રહેમ-નજરે મોટાપાયે અનઅધિકૃત બાંધકામો થઈ રહયા છે. મ્યુનિ. વહીવટીતંત્ર ના વડા, શાસકો કે ફરીયાદીઓ દ્વારા દબાણ કરવામાંઆવે ત્યારે પોલીસ બંદોબસ્તના નામે નાટક કરવામાં આવે છે. જેમાં પણ તેઓ સારા-નરસાની ભેદરેખા ભૂલી જાય છે.
બહેરામપુરા વોર્ડના અગ્રણી સામાજીક કાર્યકર આકાશ સરકાર ના જણાવ્યા મુજબ બહેરામપુરા વોર્ડમાં ૧પ૦ કરતા વધારે ગેરકાયદેસર બાંધકામો ચાલી રહયા છે. જે અંગે વડાપ્રધાન સમક્ષ પણ ફરીયાદ કરવામાં આવી છે. તેથી કામગીરી દર્શાવવા માટે એસ્ટેટ વિભાગ દ્વારા ખોડીયારનગર ચાર રસ્તા પાસે થઈ રહેલ અનઅધિકૃત બાંધકામને તોડવા માટે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં બંદોબસ્તની માંગણી કરી છે.
ઝોનના ડે.એસ્ટેટ ઓફીસર નિલેશ બરેડા એન્ડ કંપની એ સદ્દર બાંધકામ તોડવા માટે આઠ જુનના દિવસે પોલીસ બંદોબસ્ત માટે રજુઆત કરી છે. આઠ જૂનના દિવસે બીજા શનિવાર હોવાથી મ્યુનિ. કોર્પોરેશનમાં રજા રહે છે. તેમ છતાં ભૂ-માફીયાઓને બચાવવા માટે જાણીજાઈને રજાના દિવસે પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો છે. પોલીસ ખાતા દ્વારા આઠ જુનનો બંદોબસ્ત પણ આપવામાં આવ્યો છે.
પરંતુ ડે.એસ્ટેટ ઓફીસર એન્ડ કંપનીએ રજાના દિવસ હોવાથી ડીમોલેશન કરવામાં નહી આવે તેવી જાહેરાત કરી છે. દાણીલીમડા પોલીસ સ્ટેશને પણ ભૂ-માફીયાઓના ઈશારે જ રજાના દિવસે બંદોબસ્ત આપ્યો છે. જેથી ફાઈલ હંમેશા માટે બંધ થાય અને ભવિષ્યમાં કોઈ અડચણ ના રહે. રજાના દિવસે ડીમોલેશન માટે પોલીસ બંદોબસ્તની માંગણી કરવા બદલ ડે.મ્યુનિ. કમીશ્નર ને ફરીયાદ કરવામાં આવી છે. તથા ભૂ-માફીયાઓને છાવરતા વોર્ડ ઈન્સ્પેકટર અને ડે.એસ્ટેટ ઓફીસરને ચાર્જશીટ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
પરંતુ ડે.મ્યુનિ. કમીશ્નર પણ આ ધંધામાં સામેલ હોવાથી ફરીયાદ મામલે ધ્યાન આપતા નથી તથા ડે.એસ્ટેટ ઓફીસર સામે કાર્યવાહી કરવાના બદલે તેમને બચાવવા પ્રયાસ કરી રહયા છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.