Western Times News

Gujarati News

મંગલ ઘડીઓ આવે છે ! કડાણા સિંચાઇ યોજના પૂર્ણતાના આરે પહોંચી

અંદાજે રૂ. ૧૦૫૪.૭૬ કરોડના ખર્ચથી કડણા સિંચાઇ યોજનાના ત્રણેય પેકેજનું કામ પૂર્ણ, માત્ર વીજળીકરણનું નજીવું કામ બાકી

દાહોદ જિલ્લાના ખેડૂતો માટે હરિયાળી ક્રાંતિ લાવનારી કડાણા ઉદ્દવહન સિંચાઇ યોજના સાકાર થવાની મંગલ ઘડી ગણાઇ રહી છે. કડાણા ડેમ આધારિત દાહોદ જિલ્લા માટેની ઉદ્દવહન સિંચાઇ યોજનાના પ્રથમ ભાગમાં પાંચ પમ્પિંગ સ્ટેશનની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. માત્ર વીજળીકરણને લગતી કામગીરી બાકી રહી છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લાના ખેડૂતોને સિંચાઇની સારી સવલત મળી રહી એ માટે કડાણા ડેમ આધારિત સિંચાઇ યોજનાને મંજૂરી આપી હતી. તેના ભાગ એકમાં અંદાજે રૂ. ૧૦૫૪ કરોડના ખર્ચથી ૪૦૦ ક્યુસેક પાણી વહન કરવા માટે ૧૨૫ કિલોમિટર લાંબી લાઇન પાથરવામાં આવી છે.

આ અંગે કલેક્ટર શ્રી વિજય ખરાડીએ જણાવ્યું કે, ૧૨૫ લાંબી પાઇપ લાઇન ઉપર ૫ પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. જેમાં પ્રથમ પમ્પિંગ સ્ટેશન નાની ક્યાર ખાતે બનાવવામાં આવ્યું છે. આ પેકેજ-૧નું કામ રૂ. ૩૭૮.૩૬ કરોડના ખર્ચથી થયું છે. અહીંથી સાત તળાવમાં પાણી નાખવામાં આવશે.

આ યોજનાના પેકેજ-૨નું કામ રૂ. ૪૧૧.૩૦ કરોડના ખર્ચથી પૂર્ણ થઇ ગયું છે. ગોઠીબ ખાતે બીજુ અને કુંડલા ખાતે ત્રીજું પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. આ બન્ને પમ્પિંગ સ્ટેશનથી માછણનાળા અને અન્ય ૨૮ તળાવોમાં પાણી નાખવામાં આવશે.

જ્યારે, પેકેજ ત્રણમાં લીમખેડાના આંબવા સુધી પાણી પહોંચાડવા માટેનું કામ કરવામાં આવ્યું છે. તેનું કામ રૂ. ૨૬૪.૧૦ કરોડના ખર્ચથી પૂર્ણ થયું છે. પારેવા ખાતે ચોથું અને આંબવા ખાતે પાંચમું પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. પારેવા પમ્પિંગ સ્ટેશન ખાતે વીજળીકરણને લગતી થોડી કામગીરી બાકી છે. તે આગામી થોડા દિવસોમાં પૂર્ણ થઇ જાય એમ છે. તે બાદ તેનું ટેસ્ટિંગ કરવામાં આવશે. વીજળીકરણ માટે સિંચાઇ વિભાગ દ્વારા વીજ કંપનીને રૂ. ૭૮ કરોડ ચૂકવવામાં આવ્યા છે.

ટેસ્ટિંગની જ વાત કરીએ તો નાની ક્યારથી કુંડલા સુધી ૨૮ કિલોમિટર લાઇનનું ટેસ્ટિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે. જ્યારે, કુંડલાથી પાટા ડુંગરી ૫૫ કિલોમિટર અને પારેવાથી એદલવાડા સુધી ૪૧ કિ. મિ. લાઇનનું ટેસ્ટિંગ કરવામાં આવશે.

આ યોજનામાં બાકી રહેતા બે તાલુકાઓ પૈકી સિંગવડ, સંજેલી ઉપરાંત ધાનપુર અને દેવગઢ બારિયાના કેટલાક તળાવોને આ યોજનાના બીજા ચરણમાં આવરી લેવામાં આવશે. તેના માટે ટેન્ડિરિંગ પ્રક્રીયા શરૂ કરી દેવામાં આવી છે.

યોજનાના બીજા ભાગમાં સિંગવડ, સંજેલી, ધાનપુર અને દેવગઢ બારિયા અને લીમખેડા તાલુકામાં ૨૩૩ કિલોમિટર લાંબી પાઇપ લાઇન બિછાવવામાં આવશે અને ૧૦ નદીઓ, નાળા ચેકડેમ તથા ૭૮ તળાવોમાં આપી નાખવામાં આવશે. પ્રથમ ભાગમાં દાહોદ જિલ્લાના ૫૨ તળાવો ઉપરાંત પાટાડુંગરી, અદલવાડા, વાંકલેશ્વર, કબૂતરી જેવા જળાશયો ભરવામાં આવશે.

શ્રી ખરાડીએ ઉમેર્યું કે, કડાણા સિંચાઇ યોજનાના પ્રથમ ભાગમાં દાહોદ જિલ્લાની ૧૦ હજાર હેક્ટર જમીનને સિંચાઇ યોજનાનો લાભ મળશે. જ્યારે, ભાગ બીજામાં ૪૬૦૦ હેક્ટર જમીન સિંચાઇના પાણીથી લાભાન્વિત થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.