મંગળવારે અમદાવાદની ર લાખ રીક્ષાઓના પૈડા થંભી જશે
અમદાવાદ: કોરોનાની મહામારીમાં બે-ત્રણ મહિનાના લોકડાઉનમાં ઓટો રીક્ષાનો વ્યવસાય સંપૂર્ણઠપ થઈ ગયો હોવાથી શહેરના લાખો રીક્ષાચાલકોની હાલત કફોડી થઈ ગઈ છે ત્યારે પોતાની વિવિધ માંગણીઓને લઈને આવતીકાલે ૭ જુલાઈના રોજ અમદાવાદના ર લાખ કરતા વધુ ઓટો રીક્ષા ચાલકો એક દિવસની પ્રતિક હડતાલ પર જનાર છે. રીક્ષાચાલકોની હડતાલ માત્ર અમદાવાદ પૂરતી સમિતિ હશે.
આ અંગે વિશેષ માહિતી આપતા રીક્ષાચાલક સ્વાભિમાન અધિકાર આંદોલનના અગ્રણી અશોક પંજાબીએ જણાવ્યુ હતુ કે મંગળવારે અમદાવાદ શહેરના ર લાખ ર૦ હજાર ઓટો રીક્ષાચાલકો પોતાની માંગણીઓને લઈને એક દિવસની હડતાલ પાડશે.
લોકડાઉનના બે ત્રણ મહિનાના સમયગાળામાં ઓટોરીક્ષા ચાલકોનો વ્યવસાય સંપૂર્ણ ઠપ થઈ ગયો હતો હાલમાં પણ તેમની સ્થિતિમાં સુધાર થયો નથી. તેથી રાજય સરકાર એક મહિનાના પાંચ હજાર રૂપિયા લેખે ત્રણ મહિનાના ૧પ હજાર રૂપિયા આર્થિક સહાય કરે તેવી માંગણી છે
તદ્દઉપરાંત રીક્ષાચાલકોને સરળ નિયમોને આધિન લોન મળી રહે તથા એક સત્રની તેમના બાળકોની ફી માફ કરવામાં આવે તથા વીજબીલમાં રાહત અપાય તેવી તમામ માંગણીઓને લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને લગભગ ૧ર યુનિયનોના આગેવાનો મળ્યા હતા.
પરંતુ નાયબ મુખ્યમંત્રી સાથે યોજાયેલી બેઠકનું કોઈ પરિણામ આવ્યુ ન હતુ તેથી ઓટો રીક્ષા યુનિયનના આગેવાનોએ ૭ જુલાઈના રોજ એક દિવસ ઓટો રીક્ષાની હડતાલનો નિર્ણય લીધો છે. આગામી દિવસોમાં ઓટો રીક્ષા ચાલકોની માંગણીનો સ્વીકાર નહી થાય તો વિવિધ કાર્યક્રમો આપવામાં આવશે. ૧૦મી જુલાઈના રોજ જી.એમ.ડી.સી ખાતે સભાના આયોજનની વિચારણા ચાલી રહી છે. તેવી જ રીતે જરૂર પડે સમગ્ર ગુજરાતમાં ઓટો રીક્ષાની હડતાલ અને જેલભરોના કાર્યક્રમોની રૂપરેખા આગામી દિવસોમાં ઘડી કાઢવામાં આવશે.