મંજુશ્રી મીલ કંપાઉન્ડ સ્થિત હોસ્પિટલમાં દર્દીના સગાને હાલાકી ભોગવવી ન પડે તે માટે ડોમ બનાવાશે
અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરૂણ મહેશ બાબુએ મંજુશ્રી કંપાઉન્ડ સ્થિત કોરોના ડેઝિગ્નેટેડ હોસ્પિટલની મુલાકાત લઇ સમીક્ષા બેઠક યોજી
કોરોના સંલગ્ન કામગીરીની સમીક્ષા કરી દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટેની વ્યુહરચના ઘડાઇ
અમદાવાદ સિવિલ હોસ્પિટલ હસ્તકની મંજુશ્રી મિલ કંપાઉન્ડ સ્થિત કોરોના ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં દર્દીઓના સગાઓને કોઇપણ અગવડ ન પડે તે માટે ડોમ ઉભો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મંજુશ્રી મિલ કંપાઉન્ડ સ્થિત કોરોના ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરૂણ મહેશ બાબુ દ્વારા સમીક્ષા બેઠક યોજ્યા બાદ આ પ્રજાલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદ મેડિસીટીની કોવિડ સંબંધિત કામગીરીના ઇન્ચાર્જ શ્રીમતી અવંતિકા સિંધ અને આરોગ્ય કમીશ્નર શ્રી જયપ્રકાશ શિવહરેના માર્ગદર્શન હેઠળ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરૂણ મહેશ બાબુ દ્વારા બેઠકનું આયોજન કરી સમગ્રતયા વ્યવસ્થાપન હાથ ધરવામાં આવ્યુ હતુ.
ઉક્ત બેઠકમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને અપાતા ભોજન વિષેની શ્રી અરૂણ મહેશ બાબુ દ્વારા પૃચ્છા કરી તે માટે શ્રેષ્ઠ વ્યવસ્થા ઉભી થાય તે માટેનું આયોજન હાથ ઘરવા સુચન કરવામાં આવ્યુ હતુ.
આ બેઠકમાં કોરોનાગ્રસ્ત દર્દીઓના સગાઓની સંલગ્ન ચિંતાના નિવારણ માટે સહાયક કેન્દ્ર અને દર્દીના સગાની કોરોનાની સારવાર મેળવી રહેલા દર્દીઓ સાથે વાર્તાલપ કરવા કંટ્રોલ રૂમ કાર્યરત કરવા થી લઇ વીડિયો કોલિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે દર્દીના સ્વજનો માટે વેઇટિંગ એરિયા,ભોજન અને પાણી પુરવઠા,ઓક્સિજન, ઈન્જેકશન, દર્દીઓને સમયસર ભોજનની વ્યવસ્થા, એમ્બ્યુલન્સ, પોલીસ સિક્યુરિટી,રિસેપ્શન અને હેલ્પ ડેસ્ક જેવી સુવિધાઓ માત્ર એક જ દિવસના ટૂંકાગાળામાં ઉભી કરાઈ છે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ મંજુશ્રી કંપાઉન્ડમાં સ્થળ મુલાકાત લઇ જાત માહિતી મેળવી હતી. આમ ઉનાળાની સ્થિતિને ધ્યાનમાં રાખી દર્દીઓના સગાને કોઇપણ પ્રકારની મુશકેલી ન પડે તે માટે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા કમર કસવામાં આવી છે.
નવીન કોરોના ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં રેમડેસીવીર ઇન્જેકશન અને ઓક્સિજનના પુરવઠાને લઇને વધુ સધન આયોજન કરવા દિશા-નિર્દેશ આપ્યા હતા.
સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી દ્વારા સમગ્રતયા બેઠકનું આયોજન કરી નિષ્ણાંત તબીબો, વહીવટી તંત્ર તેમજ વિવિધ ડેપ્યુટી કલેક્ટરશ્રીની સાથે સિવિલ મેડિસીટીમાં કોરોના સંલગ્ન હોસ્પિટલની પ્રવર્તમાન સ્થિતીનો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો.
સમગ્ર પરિસ્થિતિનુ વિહંગાવલોકન કરીને કોરોનાગ્રસ્ત દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે , દર્દી તેમજ તેમના સગાઓને કોઇપણ પ્રકારની હાલાકી ભોગવવી ન પડે તે માટે સમગ્ર પરિસ્થિતીનું વિહંગાવલોકન કરીને વ્યુહરચના ઘડવામાં આવી હતી.