મંત્રીઓની સંખ્યા વધી પણ વેક્સિનની નહીંઃ રાહુલ ગાંધી

સરકારે કરેલા કેબિનેટ વિસ્તરણ પર કોંગી નેતાનો ટોણો
નવી દિલ્હી, મોદી સરકારે તાજેતરમાં કરેલા કેબિનેટ વિસ્તરણ પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કટાક્ષ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, કેબિનેટમાં ૪૩ મંત્રીઓને સમાવવામાં આવ્યા છે.
આ વિસ્તરણને હાલમાં ચાલી રહેલા કોરોનાના રસીકરણ સાથે રાહુલ ગાંધીએ જાેડીને સરકારને ટોણો માર્યો છે. એક મીડિયા રિપોર્ટને ટેગ કરીને રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, મંત્રીઓની સંખ્યા વધી પણ વેક્સીનની નહીં.ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ જે મીડિયા રિપોર્ટનો હવાલો આપ્યો છે
તેમાં કહેવાયુ છે કે, ભારતમાં રોજ ૮૮ લાખ વેક્સીન ડોઝ આપવામાં આવે તો પણ ડિસેમ્બર સુધીમાં ૬૦ ટકા વસતીનુ રસીકરણ થશે અને તેનાથી કોરોનાની ત્રીજી લહેરને રોકવામાં મદદ મળી શકે છે.હાલમાં ભારતમાં રોજ ૩૪ લાખ ડોઝ અપાઈ રહ્યા છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ પહેલા કેન્દ્રમાં સ્વાસ્થ્ય મંત્રીના પદ પરથી ડો.હર્ષવર્ધનને હટાવવા પર પણ કટાક્ષ કરતા કહ્યુ હતુ કે, એનો મતલબ એ થયો કે, હવે દેશમાં રસીની ખોટ નહીં પડે. જાેકે રાહુલ ગાંધી પર પલટવાર કરતા ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યુ છે કે, રાહુલ ગાંધી બીનજવાબદાર રીતે વર્તન કરી રહ્યા છે અને કારણ વગર ટીકા કરી રહ્યા છે.