Western Times News

Gujarati News

મંત્રીઓને મોટેરા લઇ જવા વોલ્વો બસની સુવિધા રહેશે

પ્રતિકાત્મક

અમદાવાદ: પીએમ નરેન્દ્ર મોદી અને યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના નમસ્તે કાર્યક્રમ માટે રાજ્ય સરકારના મંત્રીઓ અને ધારાસભ્યોને પણ ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મંત્રીઓ સહિત ૧૦૦થી વધુ ઉચ્ચ અધિકારીઓને મોટેરા સ્ટેડિયમ લઇ જવા માટે તંત્ર દ્વારા ખાસ વોલ્વો બસની સુવિધા ઉભી કરવામાં આવી છે. આ તમામ આમંત્રિતોને સચિવાલયથી સ્પેશિયલ બસમાં સ્ટેડિયમ સુધી લઇ જવામાં આવશે. તો, વળી, સરકારના મંત્રીઓ અને ધારાસભ્યોને તો આગલા દિવસે રવિવાર રાત્રે જ ગાંધીનગર પહોંચી જવા જણાવાયું છે.


ટૂંકમાં રાજય સરકાર તરફથી મંત્રીઓ અને ધારાસભ્યોને પણ ટ્રમ્પ-મોદીના કાર્યક્રમની ગંભીરતા અને સમયની કિંમત સમજીને કોઇપણ સંજાગોમાં મોડુ ના થાય અને કાર્યક્રમની સફળતા માટે સતત પ્રયાસશીલ રહેવા સૂચના અપાઇ છે. રાજ્ય સરકારના મંત્રી અને વરિષ્ઠ અધિકારીઓને સ્ટેડિયમ લઇ જવા માટે એસટી નિગમ તરફથી વોલ્વો બસની વ્યવસ્થા કરવામાં આવનારી છે. આ માટે ગાંઘીનગરમાં ત્રણ સ્થળ નિર્ધારિત કરવામાં આવ્યા છે. જેમાં ધારાસભ્ય ક્વાર્ટર, સચિવાલય અને મંત્રીઓના નિવાસસ્થાન છે.

આ ત્રણેય સ્થળેથી એકસાથે વોલ્વો બસ ઉપડશે. આમ કરવા પાછળ એવું કારણ દર્શાવવામાં આવી રહ્યું છે કે, રસ્તા પર ટ્રાફિકની સમસ્યા તથા સ્ટેડિયમમાં એસપીજીની સિક્યોરિટી ચેકિંગ દરમિયાન કોઇ તકલીફ ન પડે એ માટે બધાને એકસાથે જ બસ દ્વારા સ્ટેડિયમમાં લઇ જવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં હાજરી આપવા માટે રાજ્ય સરકારે ધારસભ્યો અને મંત્રીઓને રવિવાર રાતથી જ ગાંધીનગર આવી જવા માટે કહેવામાં આવ્યું છે.

ધારાસભ્યોને એમએલએ ક્વાર્ટર્સ તથા મંત્રીઓને મંત્રી નિવાસસ્થાને પહોંચી જવા આદેશ આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સરકાર તરફથી મંત્રીઓ અને ધારાસભ્યોને ટ્રમ્પ-મોદીના કાર્યક્રમમાં મોડુ ના થાય તેની ખાસ કાળજી રાખવા સૂચના આપવામાં આવી છે અને કાર્યક્રમ સફળ રહે તે માટે સક્રિય રહેવા તાકીદ કરાઇ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.