મંત્રીઓ અને ધારાસભ્યો પોતાના વિસ્તારમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રેરિત કરે : રાજ્યપાલ

પ્રાકૃતિક કૃષિના માધ્યમથી દેશમાં કૃષિ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન આવશે : રાજ્યપાલશ્રી
રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી મુક્તિ મેળવવા પ્રાકૃતિક કૃષિ અપનાવી પ્રજાને સ્વાસ્થ્યપ્રદ આહાર ઉપલબ્ધ કરાવવાની અપીલ કરતા રાજ્યપાલશ્રી
પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી અનેક લાભ :-
⦁ જળ-જમીન અને પર્યાવરણની સુરક્ષા
⦁ દેશી ગાયનું જતન – સંવર્ધન થશે
⦁ કૃષિ ખર્ચ ઘટશે અને ઉત્પાદનોની યોગ્ય કિંમત મળતા ખેડૂતો સમૃદ્ધ થશે
⦁ જમીનની ફળદ્રુપતા વધશે. પાણીની બચત થશે
⦁ રાસાયણિક ખાતરો પાછળની સબસીડીની બચત થશે
⦁ સ્વાસ્થ્યપ્રદ આહાર ઉપલબ્ધ થશે
ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે રાજભવન ખાતે વિધાનસભાના અધ્યક્ષા ડૉ. નીમાબેન આચાર્ય અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મંત્રીમંડળના સદસ્યો અને ધારાસભ્યો સાથેની પ્રાકૃતિક કૃષિ અંગે વિચારગોષ્ઠિમાં માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિના માધ્યમથી દેશમાં કૃષિ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન આવશે.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહ્વાન કર્યું છે, ત્યારે પ્રાણી માત્રના સુખ-સ્વાસ્થ્ય માટે ચિંતા કરવી આવશ્યક છે, તેમણે જણાવ્યું હતું કે, સ્વતંત્રતા સમયે હરિત ક્રાંતિ અને રાસાયણિક કૃષિ સમયની માંગ હતી. આજે ધરતીનો ઓર્ગેનિક કાર્બન દિન પ્રતિદિન ઘટી રહ્યો છે.
ભૂમિ બંજર બની રહી છે, લોકો રાસાયણિક ખાતર અને જંતુનાશકના ઉપયોગથી પેદા થતા ખાદ્યાન્નના કારણે કેન્સર, ડાયાબીટીસ, હ્રદયરોગ જેવી અસાધ્ય બિમારીનો ભોગ બની રહ્યા છે. રાસાયણિક કૃષિનો મજબૂત વિકલ્પ પ્રાકૃતિક કૃષિ છે.
રાજ્યપાલશ્રીએ જણાવ્યુ હતું કે, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કર્મઠ નેતૃત્વમાં રાજ્ય સરકારના સહયોગથી રાજ્યમાં બે લાખ ખેડૂતો પ્રાકૃતિક કૃષિના અભિયાનમાં જોડાયા છે, ત્યારે મંત્રીશ્રીઓ અને ધારાસભ્યો પણ પોતાના વિસ્તારમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે પ્રેરિત કરે.
રાજ્યપાલશ્રીએ જણાવ્યુ હતું કે, પ્રાકૃતિક કૃષિથી જળ-જમીન અને પર્યાવરણની સુરક્ષા થશે. દેશી ગાયનું જતન-સંવર્ધન થશે, કૃષિ-ખર્ચ ઘટશે અને ઉત્પાદનોની યોગ્ય કિંમત મળતા ખેડૂતોની આર્થિક સ્થિતિ સમૃદ્ધ બનશે, જમીનની ફળદ્રુપતા વધશે અને પાણીની બચત થશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી રાસાયણિક ખાતરો પાછળ ખર્ચાતી લાખો રૂપિયાની સબસીડી બચશે, એટલું જ નહીં લોકોને ઝેરમુક્ત સ્વાસ્થ્યપ્રદ આહાર પણ ઉપલબ્ધ બનશે.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, ઓર્ગેનિક કૃષિ અર્થાત્ જૈવિક ખેતીમાં પૂરતું ઉત્પાદન નથી મળતું. વિદેશી અળસિયાં ભારતીય વાતાવરણમાં પૂર્ણરુપે કાર્ય કરી શકતા નથી. આવા સમયે કૃષિની કોઈ લાભપ્રદ પદ્ધતિ વિશે વિચારવું જરૂરી છે. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે એક દેશી ગાયના એક ગ્રામ છાણમાં 300 કરોડ જીવાણું ઉપલબ્ધ હોય છે. દેશી ગાયનું ગૌ-મૂત્ર ખનીજોનો ભંડાર છે. જેની મદદથી થતી પ્રાકૃતિક કૃષિ અપનાવવામાં આવે તો તે રાસાયણિક કૃષિનો મજબૂત વિકલ્પ બની શકશે.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાયના છાણ-ગૌ-મૂત્ર, બેસન, ગોળ અને માટીની મદદથી તૈયાર થતા જીવામૃત અને ઘન જીવામૃત એક મહત્વપૂર્ણ કલ્ચર છે જે પ્રાકૃતિક ખાતરનું કાર્ય કરે છે. અને અળસિયાં જેવા મિત્રજીવોની પણ વૃદ્ધિ કરે છે. સરવાળે ખેતરના પાકને પૂરતું પોષણ મળે છે અને ઉત્પાદન વધે છે.
પ્રાકૃતિક કૃષિમાં મલ્ચીંગનું પણ મહત્વ છે. ભૂમિનાં આચ્છાદનથી જમીનમાં ભેજ જળવાઈ રહે છે. નિંદામણનું નિયંત્રણ થાય છે. ભૂમિનો ઓર્ગેનિક કાર્બન જળવાય છે અને અળસિયાં જેવા મિત્ર જીવો દિવસ દરમિયાન પણ કાર્ય કરી શકે છે.
રાજ્યપાલશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રાજ્ય સરકારે ડાંગ જિલ્લાને પ્રાકૃતિક કૃષિ આધારિત જિલ્લો જાહેર કર્યો છે ત્યારે પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાત દેશભરમાં મોડલ સ્ટેટ બની પ્રેરણારૂપ કાર્ય કરશે.
આ વિચાર ગોષ્ઠિમાં મંત્રીમંડળના સદસ્યો અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને વિચાર ગોષ્ઠિમાં સહભાગી બન્યા હતા. આ પ્રસંગે મહાનુભાવોએ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના પ્રદર્શનને પણ નીહાળ્યું હતું અને પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનો સ્વાદ પણ માણ્યો હતો.