મંત્રીના ભાણિયાની ઓળખ આપી છેતરવા જતાં ઝડપાયો
આગરા: ગૃહમંત્રી અમિત શાહનો ભાણિયો બનીને આગરા પહોંચેલા છેતરપિંડી કરનારને પોલીસે દબોચીને જેલના સળિયા પાછળ પહોંચાડી દીધો છે. પોલીસની ધરપકડમાં શાતિર મગજ ધરાવતા શખ્સનું નામ વિરાજ શાહ છે. પોતાને ગૃહમંત્રી અમિત શાહનો ભાણિયો બતાવીને વિરાજ શાહ ભાજપના ધારાસભ્ય યોગેન્દ્ર ઉપાધ્યાયને ઘરે છેતરપિંડી કરવાના ઇરાદે આગરા પહોંચી ગયો હતો.
ધારાસભ્યના ઘરે પહોંચીને વિરાજ શાહે કહ્યું કે તેઓ એક હોટલ ખરીદવા માગે છે. પછી ધારાસભ્યના દીકરાની સાથે બજારમાં ગયા અને અંદાજે ૪૦ હજાર રૂપિયાનું શોપિંગ કરી નાંખ્યું.
શાતિર વિરાજ શાહે શોપિંગનું બિલ ધારાસભ્યના દીકરાને ભરવા માટે કહ્યું. અહીંથી મામલો બગડયો અને પોલ ખુલી ગઇ. આરોપી આની પહેલાં ૨૦૧૬માં ઉજ્જૈનના ધારાસભ્યને છેતરવાનો પ્રયાસ કરી ચૂકયો છે.
ગૂગલ પરથી માહિતી મેળવ્યા બાદ ખબર પડી કે આ યુવક છેતરપિંડી કરી રહ્યો છે. ગૃહમંત્રીને કોઇ ભાણિયો જ નથી. ધારાસભ્ય અને તેમના પરિવારે યુવકને દબોચી લીધઓ અને પોલીસને હવાલે કરી દીધો. કહેવાય છે કે આની પહેલાં પણ આ શાતિર બદમાશ કેટલાંય નેતાઓને પોતાનો શિકાર બનાવી ચૂકયો છે.
નાઇના મંડી પોલીસ સ્ટેશને આરોપી યુવકની વિરૂદ્ધ છેતરપિંડીનો કેસ નોંધી લીધો છે. એસપી સિટી એ આ કેસની માહિતી આપતા કહ્યું કે આરોપીની ધરપકડ કરી લેવાઇ છે. આરોપી યુવક અગાઉ પણ આવી છેતરપિંડીઓ કરી ચૂકયું છે. આરોપીની વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરાશે.