મંત્રીની ગાડીમાં ઓછું ડીઝલ આવતાં પેટ્રોલપંપ સીલ કરાયો
સુરત, સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં હાલમાં જ નવા શરૂ થયેલા પેટ્રોલ પંપ પર ડીઝલ ઓછુ આપતા હોવાનું બહાર આવ્યા બાદ પેટ્રોલ પંપના છ આઉટલેટને સીલ કરાયા હતા. આશ્ચર્યજનક બાબત એ છે કે પેટ્રોકેમિકલ મંત્રી મુકેશ પટેલ જાતે પંપ પર પોતાની ગાડીમાં ડીઝલ પુરાવા ગયા ત્યારે પંપ પર ડીઝલ ઓછું આપવામાં આવી રહ્યું હોવા અંગેની હકીકત બહાર આવી હતી.
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં નિયારા કંપની દ્વારા નવો પેટ્રોલ પંપ શરૂ કરવામાં આવ્યો છે. આ પેટ્રોલ પંપ પર વાહનોમાં પેટ્રોલ અને ડીઝલ ભરાવવા આવતા વાહનચાલકોએ છેલ્લા કેટલાક દિવસથી ફરિયાદ કરી હતી કે, ડિસ્પ્લેમાં જેટલું ડીઝલ-પેટ્રોલ ભર્યું હોય એ દેખાય છે,
એના કરતા ઓછું ટેન્કમાં ભરતા હોવાની ફરિયાદ હતી. પેટ્રો-કેમિકલ્સ મંત્રી મુકેશ પટેલ પોતાની ગાડી લઈને ત્યાં પહોંચ્યા હતા. તેમણે પોતાની ગાડીની અંદર ડીઝલ ભરાવ્યું હતું. ડીઝલ ઓછું ભરાવાની શંકા જતાં તેમણે પેટ્રોલ પંપના સંચાલકને બોલાવ્યા બાદ તુરંત કલેક્ટરને આ અંગેની ફરીયાદ કરાતા તોલમાપ વિભાગ અને પુરવઠા વિભાગના અધિકારીઓ પંપ પર પહોંચી ગયા હતા.
જ્યાં તપાસ દરમિયાન પંપ પર સ્ટોરેજ કરાયેલા ડીઝલ-પેટ્રોલના જથ્થામાં ઘટ મળી આવી હતી. જેને લઇને તોલમાપ વિભાગ દ્વારા પંપ પરના ૧૦ માથી છ આઉટલેટને સીલ કર્યા હતા.