મંત્રીમંડળના વિસ્તરણ પૂર્વે અનેક દિગ્ગજ મંત્રીની છૂટ્ટી

નવી દિલ્હી: મોદી કેબિનેટનું વિસ્તરણ થયું છે. આ વિસ્તરણ પહેલા અનેક દિગ્ગજ મંત્રીઓની છૂટ્ટી થઈ છે. ડો.હર્ષવર્ધન, બાબુલ સુપ્રીયો, રમેશ પોખરિયાલ નિશંક, સદાનંદ ગૌડા, દેબોશ્રી ચૌધરી, સંતોષ ગંગવાર, સંજય ધોત્રે, રતનલાલ કટારિયા અને પ્રતાપ સારંગીએ રાજીનામા સોંપ્યા છે. કેબિનેટ વિસ્તરણ અગાઉ સૌથી પહેલા થાવરચંદ ગેહલોતને મંત્રીમંડળમાંથી હટાવીને કર્ણાટકના રાજ્યપાલ બનાવી દેવાયા. તેઓ સામાજિક ન્યાય અને અધિકારિતાના મંત્રી હતા. આ ઉપારંત ગેહલોત પાસે રાજ્યસભામાં નેતા સદન અને ભાજપ પાર્લિયામેન્ટરી બોર્ડના સભ્યનું પણ મહત્વનું પદ હતું.
રાજીનામા આપનારા મંત્રીઓની યાદી આ પ્રમાણે છે : ડો.હર્ષવર્ધન ઃ કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડો.હર્ષવર્ધને રાજીનામું આપી દીધુ છે. કોરોનાની બીજી લહેર બાદ જે પ્રકારે મોદી સરકાર સવાલોના ઘેરામાં આવી તેના કારણે ડો.હર્ષવર્ધન પર ગાજ પડી હોઈ શકે છે. હર્ષવર્ધન પાસે વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલય પણ હતું. એટલે કે હર્ષવર્ધનના રાજીનામાથી બે ભારે ભરખમ મંત્રાલય ખાલી થયા છે.
બાબુલ સુપ્રીયો ઃ પશ્ચિમ બંગાળના આસનસોલથી સાંસદ બાબુલ સુપ્રીયોએ પણ રાજીનામું આપ્યું છે. તેઓ પર્યાવરણ મંત્રાલયમાં રાજ્યમંત્રી હતા. કહેવાય છે કે બાબુલ સુપ્રીયોથી પાર્ટી નારાજ હતી. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં પણ બાબુલ સુપ્રીયો મેદાનમાં ઉતર્યા હતા. પરંતુ ૫૦ હજાર મતથી હાર્યા હતા.
રાવ સાહેબ દાનવે પાટિલ : મહારાષ્ટ્રની જલના લોકસભા બેઠકથી સાંસદ રાવ સાહેબ દાનવે પાટિલે પણ રાજીનામું આપ્યું છે. તેઓ ગ્રાહક મામલા, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રાલયમાં રાજ્યમંત્રી હતા.