મંદિરથી આરોગ્ય મંદિર સુધીની સફરની કથા: વડોદરામાં અટલાદરા સ્વામિનારાયણ મંદિરનું યજ્ઞ પુરૂષ સભાસ્થળ બન્યું કોરોના દર્દીઓનું સારવાર સેવા શુશુશ્રા કેન્દ્ર
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/52-1024x610.jpeg)
અહી હાલમાં ૨૦૦ દર્દીઓ લઈ રહ્યા છે કોરોનાની સારવાર
બી.એ.પી.એસ.સંસ્થા દ્વારા નોન મેડિકલ સુવિધા જ્યારે રાજ્ય સરકારે પૂરી પાડી છે જરૂરી તમામ મેડિકલ સુવિધાઓ
સંસ્થા દ્વારા ૬૦૦ જેટલા જરૂરિયાતમંદ અને ગરીબ પરિવારોને અપાય છે ભોજન
વિપદાની આ ઘડીમાં દર્દી નારાયણનોની સેવા કરી સમાજ પ્રત્યેનું ઋણ અદા કરવું એ ધાર્મિક સંસ્થાઓની ફરજ છે
વડોદરા: વડોદરા તંત્ર દ્વારા બાપ્સ, અટલાદરાના યજ્ઞપુરૂષ સભા સ્થળ ખાતે ૫૦૦ પથારીની સમર્પિત કોવિડ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનો પ્રથમ તબક્કો કાર્યરત થયો છે.
ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ અહીં જરૂરી તમામ મેડિકલ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. ગોત્રી મેડિકલ હોસ્પિટલની વિસ્તરણ સુવિધાના ભાગરૂપે યજ્ઞ પુરૂષ સભામંડપમાં કોવિડ દર્દીઓની અહી સારવાર કરવામાં આવી રહી છે. બાપ્સ સંસ્થાનું સભા મંડપ આજે દર્દી નારાયણનોની સેવા સારવારનું કેન્દ્ર બન્યું છે.
અટલાદરા સ્વામિનારાયણ મંદિરના જ્ઞાનવત્સલ સ્વામીએ જણાવ્યું કે, બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવની સાથે થયેલ બેઠક મુજબ મંદિરના યજ્ઞપુરુષ સભામંડપમાં કોવિડ હોસ્પિટલ બનાવવા માટેનું સૂચન કરવામાં આવ્યું હતું જેનાથી અમે પણ ખૂબ જ પ્રભાવિત થયા હતા. સંસ્થાને વિપદાની આ ઘડીમાં કોરોનાના દર્દીઓની સેવા કરવાની તક મળી છે.
તેમણે જણાવ્યું કે, હાલમાં આ યજ્ઞપુરુષ શેડમાં જરૂરી તમામ સુવિધા ઉભી કરવામાં આવી છે. સંસ્થા દ્વારા નોન મેડિકલ સુવિધાઓ જેવી કે મોબાઈલ ટોઇલેટ, બાથરૂમ, એર કુલર, પાર્કિંગની વ્યવસ્થા પુરી પાડવામાં આવી છે જ્યારે રાજ્ય સરકારે તમામ મેડિકલ સુવિધાઓ પૂરી પાડી છે. હાલમાં આ સેન્ટરમાં ડોક્ટર, નર્સ દ્વારા કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. સંસ્થા દ્વારા ૬૦૦ જેટલા જરૂરિયાતમંદ અને ગરીબ પરિવારોને ભોજન આપી અન્યના દુઃખમાં મદદ કરવામાં આવી રહી છે. હાલમાં અહીં સારવાર હેઠળના દર્દીઓ માટે ભોજન પ્રસાદની સેવા સંસ્થાએ ઉપાડી છે.
કોરોના મહામારીમાં ધાર્મિક સંસ્થાઓએ સમાજ પ્રત્યે જેટલું થઈ શકે એટલું કરવાની અત્યારે જરૂર છે ધાર્મિક સંસ્થાઓ સંકટની આ ઘડીમાં પ્રશાસન અને સરકારને મદદ રૂપ થઇ સમાજ પ્રત્યે પોતાનું ઋણ અદા કરવું જોઈએ તેમણે ઉમેર્યુ હતુ.
સમગ્ર વિશ્વમાં કોરોનાના દર્દીઓ ઝડપથી સાજા થાય એટલું જ નહીં કોરોના નષ્ટ થાય તે માટે તેમની કામના કરી હતી. આ સેન્ટરમાંથી દર્દીઓ સાજા થઈને ઘરે પરત થઇ જઈ રહ્યા છે જે શુભ સંકેત છે.
ગોત્રી હોસ્પિટલના એડિશનલ સુપ્રિટેન્ડન્ટ અને આ કેન્દ્રના ઇન્ચાર્જ ડો. સંદીપ શાહે જણાવ્યું કે, ગોત્રી જી.એમ.ઇ.આર.એસના તાબા હેઠળના આ યજ્ઞપુરુષ સભા મંડપમાં ૩૫૦ બેડની ઓક્સિજન સુવિધા સહિતની કોવિડ હોસ્પિટલ અહીં શરૂ કરવામાં આવી છે. જેનું તબક્કાવાર વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. અહીં હાલ ૨૦૦ જેટલા કોરોના ના દર્દીઓને ઓક્સિજનની સુવિધા સાથેની સારવાર આપવામાં આવી રહી છે.
મંદિર આસ્થા અને ભક્તિનું કેન્દ્ર છે. અહીં જીવ માત્રની સેવાનું શિક્ષણ મળે છે. એવા મંદિરો દેશમાં અને વિદેશમાં તેમની સેવા પ્રવૃત્તિઓ માટે જાણીતા બન્યા છે ત્યારે અટલાદરા સ્વામિનારાયણ મંદિરે કોવિડના વ્યવસ્થાપનમાં સરકાર સાથે સહભાગીદાર બની એક નવો રાહ ચિંધ્યો છે.