મંદિરના ઝરણાનું પાણી આફતના સમયે રંગ બદલે છે
નવી દિલ્હી: ભારતને મંદિરોનો દેશ એમજ નથી કહેવામાં આવતો. અહીં એકથી એક સુંદર મંદિર છે જે શ્રદ્ધાળુઓનું મન મોહી લે છે. સાથે જ કેટલાક એવા મંદિર પણ છે જે ચમત્કારી હોવાની સાથે તેમની સાથે ઘણા રહસ્યો પણ જાેડાયેલા છે. હિમાચલના કાંગડા સ્થિત જ્વાલા જી મંદિરમાં જ્યાં આદિકાળથી દીવો પ્રગટતો આવી રહ્યો છે.
તો કર્ણાટકના એક મંદિરના પિલર્સમાંથી સંગીત સંભળાય છે. આવું જ એક અદ્દભુત મંદિર કાશ્મીરની સુંદર વાદીઓમાં જ્યાં આ મંદિરની અંદર સ્થિત ઝરણાનું પાણી રંગ બદલે છે. જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરથી ૨૪ કિલોમીટર દૂર ગાંદરબલ જિલ્લાના તુલ્લા મુલ્લા ગામે માતા રગન્યા દેવીનું મંદિર જેને ખીર ભવાની મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનું કારણ એ છે કે દેવી માતાને અહીં ફક્ત ખીર ચઢાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ખીર માતાને પ્રસન્ન કરે છે અને ભક્તોને પણ અહીં ખીરનો પ્રસાદ આપવામાં આવે છે.
દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મે મહિનામાં પૂનમના આઠમા દિવસે આ મંદિરે પહોંચે છે અને વાર્ષિક ઉત્સવ અને મેળાનું આયોજન કરવામાં આવે છે જેને ખીર ભવાની મેળો કહેવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, પ્રથમ ખીર ભવાની માતાનું મંદિર લંકામાં હતું અને રાવણ દેવીના પરમ ભક્ત હતો. પરંતુ જ્યારે રાવણ દેવી સીતાનું હરણ કરી તેમને લંકા લઈ આવ્યા તો ખીર ભવાની દેવી તેમના પર એટલા ગુસ્સે થયા હતા કે તેમણે લંકા છોડવાનું નક્કી કર્યું.
જ્યારે હનુમાન જી સીતાની માતાની શોધમાં લંકા આવ્યા ત્યારે ખીર ભવાની માતાએ તેમને તેમની મૂર્તિ લંકાને બદલે કોઈ અન્ય જગ્યાએ સ્થાપિત કરવા કહ્યું. આ પછી, હનુમાન જીએ કાશ્મીરના તુલા મુલ્લામાં માતા દેવીની મૂર્તિની સ્થાપના કરી. આ મંદિરમાં એક ચમત્કારિક ઝરણું પણ છે, જેના વિશે કહેવામાં આવે છે કે, આ કાશ્મીરની ઘટનાઓની ભવિષ્યવાણી કરે છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે કાશ્મીર ક્ષેત્રમાં કોઈ આફત આવવાની હોય છે ત્યારે આ ઝરણાનું પાણી તેનો રંગ બદલે છે અને તે કાળુ પડી જાય છે.