મંદિરના નામની સંપત્તીના અસલી માલિક દેવતા: સુપ્રીમ
ભોપાલ, મંદિરના નામની સંપત્તિના માલિક કોને ગણવા? આ પ્રશ્નને કારણે હંમેશા અસંમજસની સ્થિતિ ઉભી થતી હોય છે. મંદિરની વ્યવસ્થા સાથે સંકળાયેલા લોકો અને મંદિરના પૂજારી આ સંપત્તિઓ પર દાવો કરતા હોય છે. તેમની દલીલ હોય છે કે મંદિરની સંપત્તિની માલિકી તેમની કહેવાશે. પરંતુ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, મંદિરના નામની સંપત્તિના અસલી માલિક દેવતા જ હશે.
પૂજારી અને વ્યવસ્થા સાથે જાેડાયેલા લોકો સેવક તરીકે જ ઓળખાશે. સાથે જ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે, ભૂ-રાજસ્વના રેકોર્ડમાંથી પૂજારીઓના નામ હટાવવામાં આવે. સુપ્રીમ કોર્ટે અયોધ્યાના રામ મંદિરના ઐતિહાસિક ચુકાદાનો સંદર્ભ આપીને મધ્ય પ્રદેશના એક મંદિરના કેસમાં આ ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, દેવતા જ મંદિરની જમીનના માલિક છે.
પૂજારી માત્ર આ સંપત્તિઓની દેખરેખ માટે છે. જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ એએસ બોપન્નાની પીઠે આ કેસમાં અયોધ્યા સહિત અગાઉના અનેક ચુકાદાઓનો ઉલ્લેખ કર્યો છે. કોર્ટની આ પીઠે જણાવ્યું કે, મંદિરની જમીનના પૂજારી માલિક નથી, માત્ર રક્ષક છે. તે એક ભાડુઆતની જેમ છે.
કોર્ટે જણાવ્યું કે, મંદિરમાં જે પણ પૂજારી હશે, તે ત્યાં દેવી દેવતાઓને ભોગ ચઢાવશે. સાથે જ મંદિરની જમીન પર ખેતીવાડીનું કામ પણ સંભાળશે. સુપ્રીમ કોર્ટની પીઠે જણાવ્યું કે, તમામ સત્તાવાર રેકોર્ડમાં પૂજારીની સ્થિતિ સેવક તરીકે જ હશે, માલિક તરીકે નહીં. દેવતાની માન્યતા વ્યક્તિ તરીકે છે, માટે રેકોર્ડમાંથી પૂજારીઓના નામ હટાવી લેવામાં આવે.
આ કેસમાં રાજ્ય તરફથી દલીલ કરી રહેલા એડવોકેટ સૌરભ મિશ્રાએ દલીલ કરી કે, રેવન્યુ રેકોર્ડમાંથી પૂજારીઓના નામ રદ્દ કરવાની સૂચના આપવામાં આવી છે જેથી મંદિરની સંપત્તિના ગેરકાયદેસર વેચાણને અટકાવી શકાય અને તેની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. પૂજારીઓના સંઘ તરફના એડવોકેટ દિવ્યકાંત લાહોતીએ દલીલ કરી કે, પૂજારીઓને ભૂમિસ્વામી અધિકારી આપવામાં આવ્યો છે, આ અધિકારને છીનવી શકાય નહીં.SSS