મંદિરના પૂજારીએ પ્રિયંકાને કહ્યું, તમારા માતાએ વડાપ્રઘાનનું પદ ઠુકરાવી દીધું જે મોટી વાત છે

લખનૌ, કોંગ્રેસ મહાસચિવ અને ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રા ઉત્તર પ્રદેશના પ્રવાસ પર છે જ્યાં પ્રવાસ પહેલા ૨ દિવસ તેમણે લખનૌમાં પાર્ટીના પદાધિકારીઓ સાથે બેઠક કરી અને તેમની પાસે ચૂંટણી તૈયારીઓને લઈને ફિડબેક લીધા હતા.
આ દરમિયાન તેમણે પશ્ચિમ અને મધ્ય ઉત્તર પ્રદેશ, રૂહેલખંડના બ્લોક અને ન્યાય પંચાયતવાર સમીક્ષા કરી. આગામી રણનીતિ પર વિચાર વિમર્શ કર્યો હતો. આ રીતે ૨ દિવસમાં ૮ ઝોનના જિલ્લા અને શહેર અધ્યક્ષ, પ્રદેશ સચિવ, મહાસચિવ અને પ્રદેશ ઉપાધ્યક્ષો પાસેથી એક એક કરીને રિપોર્ટ લીધા હતા.
રાજ્યના ૮૩૧ બ્લોકો, ૨૫૧૪ વોર્ડ અને ૮૧૩૪ ન્યાય પંચાયતોના કામકાજ બાબતે જાણકારી લીધી હતી. તેમણે ચૂંટણીને લઈને કહ્યું કે માત્ર પાર્ટી માટે જ નહીં પરંતુ રાષ્ટ્ર નિર્માણ માટે પણ મજબૂત સંગઠન જરૂરી છે. ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી એકદમ નજીક છે એટલે કોંગ્રેસના કાર્યકર્તા રાત દિવસ કાર્ય કરીને સંગઠન મજબૂત કરે. સામાન્ય લોકોના દુઃખ સમજે.
ત્યારબાદ રવિવારે તેઓ પોતાના માતા સોનિયા ગાંધીની સંસદીય સીટ રાયબરેલીના બે દિવસના પ્રવાસે માટે રવાના થઈ ગયા હતા. રસ્તામાં તેમણે લખનૌ રાયબરેલી સીમા પર ચુરવા સ્થિત હનુમાનના મંદિરમાં દર્શન કર્યા હતા. હનુમાન મંદિરના પૂજારી અનુપ અવસ્થીએ પૂજા કરાવી હતી. પ્રિયંકાએ તેમને દક્ષિણા આપી.
મંદિરના પૂજારીએ પ્રિયંકા ગાંધીને કહ્યું કે ઉત્તર પ્રદેશને તમારી જરૂરિયાત છે. તમે તમારું રહેવાનું અહીં બનાવી લો. હું હનુમાનજીને કામના કરું છું કે ઉત્તર પ્રદેશમાં તમારી સરકાર આવે. તમારી જ પાર્ટીના મુખ્યમંત્રી બને અને વડાપ્રધાન પણ બને. જેટલું સારું કામ તમારા પરિવારે કર્યું એટલું કોઈએ નથી કર્યું. આપણે જાેઈએ છીએ કે લોકો પ્રધાન પદ છોડવા માગતા નથી અને તમારા માતાએ વડાપ્રધાન પદને ઠુકરાવી દીધું જે મોટી વાત છે. જે પણ મોટા નેતા રાયબરેલી આવે છે તેઓ ચુરવા સ્થિત મંદિરમાં પ્રાર્થના જરૂર કરે છે.
અહીં દર્શન કર્યા બાદ પ્રિયંકા ગાંધી રાયબરેલી પહોંચ્યા હતા. જ્યાં કાર્યકર્તાઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. પ્રિયંકા ગાંધી અહીં બે દિવસ રહીને પાર્ટીના પદાધિકારીઓ સાથે ચર્ચા કરશે અને ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે. પ્રિયંકા ગાંધી અહીં ભુએમઉ ગેસ્ટ હાઉસમાં રોકાશે. જ્યાં તેઓ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે.HS