મંદિરના મહોત્સવમાં ગયેલા પરિવારના ઘરમાંથી ૪.ર૧ લાખની મત્તાની ચોરી
ગાંધીનગર, મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ગયેલા પરિવારના ઘરની તિજોરીમાંથી દાગીના અને રોકડ સહિત ૪.ર૧ લાખની મત્તાની ચોરીનો બનાવ ગાંધીનગર તાલુકાના ખોરજ ગામમાં બન્યો હતો. સિલાઈ મશીનના ખાનામાં મુકેલી ઘરની ચાવી શોધીને કોઈ જાણભેદુ શખ્સે હાથફેરો કર્યો હોવાની શંકાના આધારે અડાલજ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
ખોરજ ગામે ભાડાના મકાનમાં રહેતા નિતાબેન પ્રજાપતિ ઘરકામ તેમજ સાડીના ફોલ બીડીંગનું કામકાજ કરે છે તેમના પતિ ભાઈલાલ ગેસની સગડી રિપેરીંગની દુકાન ચલાવે છે તેમનો દિકરો ધો.૭માં અભ્યાસ કરે છે. નિતાબેન ઘરની એક ચાવી પોતાની પાસે રાખતા હોય છે અને બીજી ચાવી ઘરની ઓસરીમાં મુકેલા સિવણ મશીનની પેટીમાં મુકી રાખતા હોય છે.
તા.૧૪ના રોજ ગામમાં અંબેમાના મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ હોવાથી સાંજના સમયે ઘરને તાળુ માતાજીના વરઘોડામાં દંપતિ પુત્રને લઈને ગયું હતું. આ પ્રસંગે આખા ગામનો જમણવાર હોવાથી પ્રસાદી લઈને નીતાબેન પુત્રને લઈ આઠ વાગ્યાના અરસામાં ઘરે ગયા હતા ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો હતો અને તાળુ ચાવી સાથે નીચે પડ્યા હતાં
તેમણે ઘરમાં જઈને તપાસ કરતા તિજોરી અર્ધ ખુલ્લી હાલતમાં જોવા મળતા ઘરમાં ચોરી થઈ હોવાની શંકા ગઈ હતી. બનાવ અંગે તેમણે જાણ કરતાં ભાઈલાલભાઈ ઘરે પહોંચ્યા ત્યારે તિજોરીમાં તપાસ કરતાં સોનાનો દોરો, સોનાની કાનની બુટ્ટી, ચાર સોનાની વિંટી, ચાંદીની સેરો તેમજ પ૦ હજારની રોકડ મળી કુલ રૂ.૪.ર૧ લાખની મત્તા ચોરાઈ હોવાનું માલુમ પડ્યું હતું. ચોરીના બનાવ અંગે નિતાબેનની ફરિયાદના આધારે અડાલજ પોલીસે તપાસ હાથ ધરી છે.