મંદિરમાં મારામારીની ઘટનામાં સંતો સહિત ૭ સામે ગુનો દાખલ
વડોદરા, સોખડા-હરિધામ મંદિરમાં મારામારીની ઘટનામાં સંતો સહિત ૭ સામે ગુનો નોંધાયો છે. ગત ૬ જાન્યુઆરીએ બનેલી ઘટનામાં ૧૨ દિવસ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર સોખડાના પાંચ સંતો સહિત સાત વ્યક્તિઓના હુમલાનો ભોગ બનેલો સેવક આજે પોલીસ સમક્ષ હાજર થતાં આખા કેસમાં નવો વળાંક આવ્યો હતો.
ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધતાની સાથે સંતો સહિત હુમલાખોરોને શોધવા માટે પોલીસની એક ટીમ સોખડા મંદિરે પણ પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે, સોખડા પરિસરાં ૬ જાન્યુઆરીના રોજ મારામારીની ઘટના બની હતી. આ ઘટનામાં મંદિરના એકાઉન્ટન્ટ વિભાગમાં સેવા આપતા અનુજ ચૌહાણ પર કેટલાક સંતોએ હુમલો કર્યો હતો. જેનો વિડીયો પણ સામે આવ્યો છે. આ મામલે અનુજ ચૌહાણ દ્વારા પોલીસને અરજી પણ આપવામાં આવી હતી. પરંતુ હુમલાખોરોની સામે આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ ન હતી. આ બનાવ બાદ અનુજ ચૌહાણ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો.
દરમિયાન અચાનક જ અનુજ પોલીસ સમક્ષ હાજર થયો હતો અને તેણે પોલીસ સમક્ષ તેની અરજીના સંદર્ભમાં નિવેદન આપ્યા બાદ પોલીસે ઘટનાના મામલે આસોજના પ્રણવભાઈ, સોખડાવાળા મનહરભાઈ, સોખડા સ્વામિનારાયણ મંદિરમાં રહેતા પ્રભુપ્રિય સ્વામી, હરિ સ્મરણ સ્વામી, ભક્તિ વલ્લભ સ્વામી, સ્વામી સ્વરૂપ સ્વામી, તથા વિરલ સ્વામીની સામે પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.
દરમિયાન પોલીસ સ્ટેશન હાજર અનુજ ચૌહાણે મીડિયાને જણાવ્યું કે, જે પ્રમાણે વિવાદ ચાલી રહ્યો છે તેમાં જે સમય આપ્યો હતો તેમાં યોગ્ય સમય નક્કી કરી પોલીસને મળવા આવ્યો છું. પોલીસે મને મળવા બોલાવ્યો છે. તેમણે જણાવ્યું કે, અમે પોલીસ સાથે કનેક્ટ જ હતા, વાત થયેલી જ હતી. જે પ્રમાણે અરજી આપી હતી તે પ્રમાણે આજે જ નક્કી થયું હતું. માટે પોલીસના કોન્ટેક્ટમાં રહીને જ આજે પોલીસને નિવેદન આપવા આવ્યો છું.SSS