મંદિરોના ટ્રસ્ટની આવકમાં ૯૦-૯૫%નો ઘટાડો
અમદાવાદ: કોરોના મહામારીને કારણે માત્ર લોકોની જ નહીં રાજ્યના મોટા મંદિરોની આવક પણ ઘટી રહી છે. ગુજરાતના મુખ્ય મંદિરો એટલે કે, સોમનાથ, દ્વારકા, ડાકોર અને અંબાજી કે જ્યાં આ સમયગાળા દરમિયાન ભક્તોની ભારે ભીડ જાેવા મળતી હોય છે. ત્યારે હાલના સમયે આ યાત્રાધામ પર ભક્તોની પાંખી હાજરી જાેવા મળી રહી છે. પરિણામ સ્વરૂપે મંદિર ટ્રસ્ટની માસિક કમાણી ૯૦-૯૫% જેટલી ઘટી ગઈ છે.
૨૩મી માર્ચથી લાગુ થયેલા દેશવ્યાપી લોકડાઉન બાદ આમાંના મોટાભાગના મંદિરો ૮મી જૂનથી ભક્તો માટે ખોલી દેવાયા હતા. સોશિયલ ડિસ્ટન્સિંગની ગાઈડલાઈન હોવાને કારણે બંધા મંદિરોમાં ભીડને ટાળવા માટે ઓનલાઈન દર્શન એપોઈન્ટમેન્ટ સિસ્ટમ પણ શરૂ કરી દીધી હતી. જાેકે, રાજ્યભરમાં કોરોનાના કેસોમાં વધારો થતા ટ્રેનોને પણ સ્થગિત કરવામાં આવી છે. જેના કારણે તીર્થ સ્થળો પર ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
કોરોનાના કેસમાં વધારો થતા ડાકોર મંદિરે સોમવારથી મંદિરના દરવાજા અનિશ્ચિત સમય માટે બંધ કરવાનો નિર્ણય લીધો હતો. મંદિર ટ્રસ્ટના અરવિંદ મહેતાએ જણાવ્યું હતું કે, ‘નજીકમાં કોરોના કેસ હોવાને કારણે આ મંદિર આગળની સૂચના સુધી બંધ રહેશે.’ લોકડાઉન બાદ અનલોક જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના મોટાભાગના મંદિરો ભક્તો માટે ખોલી દેવાયા હતા. લોકડાઉન પહેલા આ મંદિરોમાં દરરોજ સરેરાશ ૫ હજાર શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હતા. પરંતુ અનલોકના સમયગાળા દરમિયાન આ સંખ્યા ઘટીને ૧૫૦૦ થઈ ગઈ છે. મંદિરની આવક પણ દર મહિને ૧ કરોડ રૂપિયાથી ઘટીને પાછલા મહિનામાં માત્ર ૨ લાખ રૂપિયા થઈ ગઈ છે.
આજથી ગુજરાતમાં પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે. શ્રાવણ મહિના દરમિયાન સોમનાથ મંદિરે ભક્તોની ઘોડાપૂર જાેવા મળે છે. સોમનાથ મંદિરની માસિક આવક ૩-૩.૫ કરોડથી ઘટીને ૧૭ લાખ થઈ ગઈ છે. આ મંદિરમાં લગભગ ૬૫૦ લોકો કાર્યરત છે જેમના પગાર દર મહિને આશરે ૧ કરોડ રૂપિયા હોય છે.
સોમનાથ મંદિરના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું કે, લોકો કોરોનાને કારણે મુસાફરી કરતા ડરે છે. અમે શ્રાવણ મહિનામાં વધુ ભક્તોની અપેક્ષા રાખીએ છીએ.’ ભારતના ૫૨ શક્તિપીઠોમાંના એક અંબાજીમાં ભક્તોની સંખ્યા દરરોજ સરેરાશ ૪૦૦૦થી ઘટીને ૧૫૦૦ થઈ ગઈ છે. જ્યારે માસિક આવક સરેરાશ ૫ કરોડથી ઘટીને જૂન-જુલાઈમાં લગભગ ૩૦ લાખ થઈ ગઈ છે. મંદિર ટ્રસ્ટના વહીવટદાર ચાવડાએ જણાવ્યું કે, ‘ભાદરવી પૂનમ દરમિયાન ૨૫ લાખ ભક્તો માતાજીના દર્શન માટે આવતા હોય છે. જાેકે, કોરોનાને કારણે ભાદરની પૂનમના મેળાને મંજૂરી આપવી કે કેમ, તે અંગે સરકાર હજી નિર્ણય લેશે.’
સૌરાષ્ટ્રના દ્વારકા મંદિરમાં પણ આ દિવસોમાં ભક્તોની ખૂબ ઓછી ભીડ જાેવા મળી રહી છે. ટ્રસ્ટી અને દેવભૂમિ દ્વારકાના કલેક્ટર નરેન્દ્રકુમાર મીણાના કહેવા પ્રમાણે કોરોના પહેલા અહીં દરરોજ ૫૦૦૦ જેટલા ભક્તો દર્શનાર્થે આવતા હતા. જેની સંખ્યા હવે ઘટીને ૧૨૦૦-૧૫૦૦ થઈ ગઈ છે. તેઓએ જણાવ્યું કે, મોટાભાગે હવે સ્થાનિક લોકો જ મંદિરની મુલાકાત લઈ રહ્યા છે. આવક પણ દર મહિને સરેરાશ ૧ કરોડ રૂપિયાથી ઘટીને ૧૫-૧૭ લાખ રૂપિયા થઈ ગઈ છે.