મંદિરોને ટાર્ગેટ કરતી દાહોદની મેડા ગેંગ પકડાઈ: 22 મંદિર ચોરીનો ભેદ ખૂલ્યો

AI image
વડોદરા, રાજ્યના જુદા જુદા શહેરોમાં મંદિરોને ટાર્ગેટ કરતી દાહોદની મેડા ગેંગને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી પાંચ લાખ ઉપરાંતની મત્તા કબજે કરી છે.
વડોદરા શહેર અને આસપાસના ભાયલી, કરજણ, ભરૂચ ઉપરાંત રાજકોટ અને જેતપુર જેવા સ્થળોએ મંદિરોની ચોરીના બનાવો બન્યા હોવાથી ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ આરજી જાડેજા અને હેતલ તુવેરની ટીમે સીસીટીવી ફૂટેજ એકત્રિત કરતા મંદિર ચોરી કરવામાં મેડા ગેંગની સંડોવણી ખૂલી હતી.
દરમિયાનમાં ગેંગના ત્રણ સાગરિતો ચોરીનો માલ વેચવા બાઈક પર સુરત જતા હોવાની માહિતી મળતા પોલીસે ગોલ્ડન ચોકડી પાસેથી ઉમેશ બચુભાઈ મેડા, અજય બચુભાઈ મેડા અને ગોવિંદ દલબીરભાઈ મચ્છારને બે બાઈક સાથે ઝડપી પાડયા હતા.
ત્રણેય જણાની થેલીમાં રૂ.ર.૦ર લાખ રોકડા (જેમાં ૭૧૦૦ના સિક્કા) સોના અને ચાંદીની લગડી, ભગવાનના દાગીના તેમજ મૂર્તિઓ મળી આવ્યા હતા. ચોરોએ કુલ રર જેટલા મંદિરોમાં ચોરી કર્યાની કબૂલાત કરત તેમને જુદા જુદા પોલીસ સ્ટેશનોને સોંપશે.
પોલીસથી બચવા ચોરો હાલોલથી બાઈક લઈ વડોદરા આવતા હતા. શહેરમાં કોઈ એક જગ્યાએ બાઈક મૂકી દેતા હતા ત્યાં અગાઉથી પાર્ક કરી રાખેલી બાઈક લઈને મંદિરોની રેકી કરતા હતા. આખો દિવસ ગાર્ડનમાં પડી રહેતા હતા અને રાતે મંદિરમાં ચોરી કરતા પહેલાં દૂર બાઈક મૂકીને ચાલતા આવતા હતા. ચોરી કર્યા બાદ જે રીતે આવ્યા તે રીતે પાછા જતા હતા.