મંદિરોમાં ભકતોનું ઘોડાપૂર
અમદાવાદ: આજે દેવાધિદેવ મહાદેવની મહાશિવરાત્રિના પવિત્ર પર્વને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરના શિવાલયો હર..હર…મહાદેવ, ઓમ નમઃ શિવાયના ભકિતનાદથી ગુંજી ઉઠયા હતા. વહેલી સવારથી જ શિવભકતોએ પવિત્ર જળ, દૂધ, બિલીપત્ર, ગુલાબ સહિતના પુષ્પ, કાળા તલ સહિત અન્ય ધનધાન્યથી શિવજીના અભિષેક માટે લાંબી લાઇનો લગાવી હતી. આજની મહાશિવરાત્રિએ મહાનિશિથકાળ રાત્રે ૧૨-૨૯થી ૧-૧૭ સુધીનો રહ્યો હોઇ
આ સમય દરમ્યાન શિવભકતોએ ભોળાનાથની વિશેષ પૂજા ભકિત કરી શિવપૂજાનું અનેકગણું અને વિશેષ ફળ પ્રાપ્ત કર્યુ હતું. તો, આજે જૂનાગઢના ભવનાથના મેળામાં પણ બહુ પવિત્ર અને ઐતિહાસિક મહાત્મ્ય ધરાવતું મૃગી કુંડમાં મધ્યરાત્રિએ અનેક સાધુ-સંતો, મહંતો, મહામંડલેશ્વરો, દિગંબર સાધુઓના સ્નાનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. મહાશિવરાત્રિને લઇ આજે અમદાવાદ સહિત રાજયભરના શિવાલયોમાં ઓમ નમઃ શિવાય, મહામૃત્યુંજય મંત્રના પવિત્ર ઉચ્ચારણ સાથે ભોળાનાથના શિવલિંગને ભવ્ય અભિષેક કરવામાં આવ્યા હતા. રાજયના સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ અને દ્વારકા પાસેના નાગેશ્વર મહાદેવ ખાતે તો શ્રધ્ધાળુ ભકતો કિડિયારાની જેમ ઉભરાયા હતા અને મહાશિવરાત્રિના પર્વ નિમિતે ભોળાનાથના દર્શન કરી આશીર્વાદ મેળવવા રીતસરની પડાપડી કરી હતી.
મહાશિવરાત્રિના પર્વને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરના શિવમંદિરોમાં શિવજીના અભિષેક-બિલીપત્રની પૂજા, આરતીના વિશેષ આયોજનો કરવામાં આવ્યા હતા. સુપ્રસિધ્ધ સોમનાથ મંદિરમાં આજે મહાશિવરાત્રિને લઇ ભોળાનાથની વિશેષ પૂજા-આરતી અને મહામૃત્યુંજય યજ્ઞ સહિતના આયોજનો કરવામાં આવ્યા હતા.
ડભોઇ તાલુકાના કરનાળી ખાતે નર્મદા નદીના કિનારે આવેલા સુપ્રસિદ્ધ શ્રી કુબેર ભંડારી મંદિરના દર્શન માટે સવારથી શ્રદ્ધાળુઓની લાંબી કતારો લાગી હતી. તો, સુપ્રસિધ્ધ એવા કાયાવરહોણના શ્રી લકુલીશ મહાદેવ તેમજ દેણા ગામ ખાતે આવેલા શ્રી વ્યાસેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળા ભરાયા હતા. ભોળાનાથના દર્શન અને અભિષેક માટે મોડી રાત સુધી ભકતોની લાંબી લાઇનો લાગી હતી. આ વર્ષે પણ સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર આ વર્ષે મહાશિવરાત્રિના પર્વને લઇ ખાસ કરીને ભકતોને ભોળાનાથના શાંતિથી દર્શન થઇ શકે તે હેતુથી અવિરતપણે ૪૨ કલાક ખુલ્લુ રાખવામાં આવ્યું હતું તો, સોમનાથ મંદિર અને સમગ્ર પરિસરને ઝળહળતી રોશની અને અનેક આકર્ષણોથી શણગારી નયનરમ્ય રીતે સુશોભિત કરાયું હતું.
મહાશિવરાત્રિને લઇ આજે સોમનાથ દાદાને ભવ્યાતિભવ્ય પાઘડી સાથેનો શણગાર કરવામાં આવ્યો હતો, જે શ્રધ્ધાળુ ભકતોનું મન મોહી લેતો હતો. આજે વહેલી પરોઢે ચાર વાગ્યે સોમનાથ દાદાની ભવ્ય પૂજા-આરતી કરાઇ હતી, ત્યારબાદ સવારે ૬-૦૦ વાગ્યે મહાશિવરાત્રિને લઇ ખાસ મહાપૂજા, સવારે ૭-૦૦ વાગ્યે સોમનાથ મહાદેવની ભવ્ય આરતી, સવારે ૭-૩૦ વાગ્યે મહામૃત્યુંજય યજ્ઞ, સવારે ૮-૦૦ વાગ્યે મંદિરનો ધ્વજારોહણ, ૮-૩૦ વાગ્યે લઘુરૂદ્રના કાર્યક્રમોનું આયોજન કરાયું હતુ.