Western Times News

Gujarati News

મંદિર નિર્માણ માટે દરેક ધર્મનું દાન સ્વીકારાશેઃ ટ્રસ્ટ સભ્ય

૨૫ નવેમ્બર બાદથી દાન સ્વીકારી કારી શકાશે-માથાદીઠ ૧૦, ઘરદીઠ ૧૦૦નું દાન આપવા માટે સૂચન
બેંગલુરુ,  અયોધ્યામાં આકાર લેનાર વિશાળ રામ મંદિર માટે તમામ ધર્મ પાસેથી દાન સ્વીકારવામાં આવશે તેમ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્યએ જણાવ્યું છે. સરકાર દ્વારા ભગવાન રામના મંદિરના બાંધકામ માટે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનું ગઠન કર્યું છે.

કર્ણાટકના ઉડુપી સ્થિત પેજાવર મઠના વડા વિશ્વપ્રસન્ન તીરથ સ્વામીએ તાજેતરમાં ટ્રસ્ટની વર્ચ્યુઅલ બેઠકમાં ભાગ લીધો હતો. તેમણે જણાવ્યું કે, રામ મંદિર નિર્માણ માટે માથાદિઠ દસ રૂપિયા અને ઘરદીઠ રૂ. ૧૦૦ ફંડ પેટે એકત્ર કરવાનું સુચન કરવામાં આવ્યું છે. આ ફક્ત સુચન છે અને કોઈ ટેક્સ નથી. રામ મંદિરના નિર્માણમાં ભાગ લેવા ઈચ્છતા લોકો માટે આ એક રોડ મેપ છે.

સ્વામીને પ્રશ્ન કરાયો હતો કે શું ફક્ત હિન્દુઓ પાસેથી દાન એકત્ર કરાશે કે અન્ય ધર્મના લોકોનું દાન પણ સ્વીકારાશે? જેના જવાબમાં તેમણે જણાવ્યું કે, ભગવાન રામમાં આસ્થા ધરાવતા તમામ શ્રદ્ધાળુ પાસેથી દાન સ્વીકારવામાં આવશે. દાતા આ ધર્મનો છે કે પેલા ધર્મનો છે તે બાબત ગૌણ ગણાશે. તેમના મતે માથાદીઠ કે ઘરદીઠ દાનની રકમ ફક્ત સુચન માટે છે અને કોઈ દાતા એક કરોડનું દાન આપવા માંગશે તો પણ ટ્રસ્ટ તેને સ્વીકારશે. ટ્રસ્ટે કંપનીઓ પાસેથી કોર્પોરેટ સામાજિક જવાબદારી પેટે પણ વધારાની નાણાકીય મદદ સ્વીકારવા દરખાસ્ત કરી છે.

ટૂંક સમયમાં જ રામ મંદિર માટે ભૂમિપૂજન હાથ ધરાશે અને મંદિર નિર્માણનો અંદાજીત ખર્ચ રૂ. ૩૦૦ કરોડ થઈ શકે છે. આ ઉપરાંત આસપાસના વિસ્તારમાં વિકાસ માટે વધારાના રૂ. ૧,૦૦૦ કરોડની જરૂર પડે તેમ છે. ૨૫ નવેમ્બર બાદથી દાન સ્વીકારવાનું શરૂ કરવામાં આવી શકે છે તેમ વિશ્વપ્રસ્ન તીરથ સ્વામીએ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.