મકાન ભાડે આપતા સંબંધિત પોલીસ સ્ટેશને જાણ કરવા જાહેરનામું
અમદાવાદ શહેરની હકુમત સિવાયના સમગ્ર અમદાવાદ જિલ્લામાં રહેણાંક કે ઔદ્યોગિક મકાન ભાડે આપતા પહેલાં ભાડૂઆતની સંપૂર્ણ વિગતો સંબંધિત પોલીસ સ્ટેશને જણાવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી પી.બી.પંડ્યાએ આદેશ કર્યો છે.
મકાન ભાડે આપતા પહેલાં પોલીસ સ્ટેશને માહિતી પત્રકમાં અનુક્રમે મકાન માલિકનું નામ તથા ભાડે આપેલ મકાનની વિગત ક્યા વિસ્તારમાં કેટલા ચો.મી. બાંધકામ મકાન, મકાન ભાડે આપવા સત્તા ધરાવતા વ્યક્તિનું નામ અને સરનામુ, મકાન ક્યારે ભાડે આપેલ છે તથા માસિક ભાડુ કેટલુ નક્કી કરેલ છે
તે રકમ રૂપિયામાં, કઇ વ્યક્તિઓને ભાડે આપેલ છે તેનો ફોટો, સહી સરનામા અને સંપર્ક સાથેની સંપૂર્ણ વિગતો, ભાડુઆતનો સંપર્ક કરાવનાર વ્યક્તિ, એજન્ટ-બ્રોકરની તમામ વિગતો તેમજ અન્ય વિગતો વાળા સાત કોલમવાળી માહિતી ભરી જમા કરાવવાની રહેશે.
તા. 06-10-2021 સુધી અમલી આ જાહેરનામાનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાપત્ર ઠરશે એમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું છે.
સાયબર કાફેમાં નિયત નિયમો પાલન કરવા આદેશ
અમદાવાદ જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની હદમાં આવેલ તમામ સાયરબર કાફેના માલિકોને નિયત નિયમો પાલન કરવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી પી.બી.પંડ્યાએ આદેશ ફરમાવ્યો છે.
સાયબર કાફે ખાતે સી.સી.ટીવી કેમેરા લગાવવા તેમજ નિયત રજીસ્ટરો સુવાચ્ય અક્ષરે સંપૂર્ણ વિગતો સાથે નિભાવવાના રહેશે. સાયબર કાફેનો વપરાશ કરનારની સુવાચ્ય સહી તેમજ પુરુષના ડાબા હાથના અને સ્ત્રીના જમણા હાથના અંગૂઠાનું નિશાન ફરજીયાત લેવું. મુલાકાતી સેલ્ફ એટેસ્ટેટ ફોટો કોપી ઓળખપત્ર જમા કરાવવી.
સાયબર કાફેના માલિક, મેનેજર તેમજ તમામ કર્મચારીઓની સંપૂર્ણ વિગતો સંપર્ક નંબર અને તાજેતરના ફોટોવાળી હકીકતો લેખિતમાં નિયત કરેલા પત્રકમાં સંબંધિત નજીકના પોલીસ સ્ટેશને જણાવવાની રહેશે. અધિકૃત અધિકારી તપાસ કરવા આવે તો તપાસ કરવા દેવી. તા. 6-10-2021 સુધી અમલી આ આદેશનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે એમ જાહેરનામા માં જણાવ્યું છે.