મકાન માલિક નાસ્તો ખરીદવા ગયા અને તસ્કરો ઘરમાં હાથફેરો કરી ગયા

મકાન માલિકે પાલનપુર તાલુકા પોલીસ મથકે અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથધરી
પાલનપુર તાલુકાના રતનપુર ગામે મકાનમાંથી ૬ લાખની મત્તા ચોરાઈ
પાલનપુર,
પાલનપુર તાલુકાના રતનપુર ગામે રહેતો પરિવાર સોમવારે ઘરેથી નાસ્તો ખરીદવા ગયો હતો. તેઓ પરત આવી જોતાં તેમના મકાનના બારીના સળિયા તૂટેલા હતા અને મકાનમાં ચોરી થયેલી હતી. જે જોતા અંદાજિત રૂ. ૬ લાખની ચોરી થઈ હોવાની ફરિયાદ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પાલનપુર તાલુકાના રતનપુર ગામની સીમમાં રહેતા ગીરીશભાઈ રણછોડભાઈ કમાણીયા (પટેલ) સોમવારે ઘર બંધ કરી તેમની પત્ની સાથે લક્ષ્મીપુરામાં નાસ્તો લેવા માટે ગયા હતા.
તે સમય દરમિયાન કોઈ અજાણ્યા ચોરોએ તેમના મકાનના બારીની લોખંડની ગ્રીલના સળિયા વાળી તોડી નાંખી અંદર પ્રવેશ કર્યાે હતો અને મકાનના રૂમમાં કબાટમાં રાખેલી બેગમાંથી સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમ મળી કુલ રૂ. ૬ લાખની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. મકાન માલિક ઘરે પરત આવ્યા ત્યારે તેમના મકાનના બારીના સળિયા તૂટેલા હતા. તેમજ ઘરમાં રાખેલા દાગીના અને રોકડ રકમની ચોરી થયાનું જણાયું હતું. આથી મકાન માલિકે પાલનપુર તાલુકા પોલીસ મથકે અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ફરિયાદના આધારે એફએસએલ તેમજ ડોગ સ્કવોર્ડની મદદથી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.SS1