મગજ ખાઈ જનારા અમીબાના કારણે માનવજાતિ જાેખમમાં
તેને રોકવું ખુબ કપરું બને છે અનેકવાર તો તેના લક્ષણોને ખબર પડે તે પહેલા જ દર્દીનું મોત થઈ જાય છે ઃ વિશેષજ્ઞો
ન્યૂયોર્ક: વૈજ્ઞાનિકો લાંબા સમયથી ક્લાઈમેટ ચેન્જને લઈને સાવધ કરી રહ્યા છે. પરંતુ તે ચેતવણી લગભગ નજરઅંદાજ કરાય છે. આવામાં પર્યાવરણ પરિવર્તન એટલે કે ક્લાઈમેટ ચેન્જના કારણે એવા જીવનો ફેલાવો ઝડપથી વધી શકે છે જે માણસોના અસ્તિત્વ માટે જાેખમ બની શકે છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે બે ખાસ પ્રકારના પેથોજન્સ માણસો માટે ખુબ જ જાેખમી બની શકે છે તે પણ ક્લાઈમેટ ચેન્જના કારણે. આ પેથોજન્સ સમુદ્રમાં મળી આવે છે પરંતુ હવે મજબૂરીમાં કિનારા તરફ આગળ વધી રહ્યા છે અને શતાબ્દીના અંત સુધીમાં દુનિયાના દરેક ખૂણે પહોંચી શકે છે.
યુનિવર્સિટી ઓફ સાઉથ ફ્લોરિડાના ઈન્ફેક્શન્સ ડિસિઝ એક્સપર્ટ સાંદ્રા ગોમ્ફે દાવો કર્યો છે કે માણસનું મગજ ખાઈ જનારા અમીબા નાઈગ્લીરિયા ફોલેરી અને માણસના શરીરને ગાળી નાખનારા બેક્ટેરિયા વિબ્રિઓ વલ્નીફિક્સ હવે માણસો પર કહેર બનીને તૂટી શકે છે. પર્યાવરણમાં ઝડપથી વધી રહેલી ગરમીના કારણે પેથોજન્સ હવે માણસો વચ્ચે પહોંચી રહ્યા છે. અત્યાર સુધી નાઈગ્લીરિયા ફોલેરી ઉત્તર અમેરિકી મહાદ્વીપમાં ઓછા જાેવા મળતા હતા, પરંતુ હવે અમેરિકાના ફ્લોરિડા, ટેક્સાસ જેવા રાજ્યોમાં પણ સમુદ્ર કિનારે અમીબા મળી આવ્યા છે.
એટલું જ નહીં મેરીલેન્ડ જેવા રાજ્યોમાં પણ તે મળી આવવાનો અર્થ છે ગંભીર જાેખમ. અને આ બધુ ક્લાઈમેટ ચેન્જના કારણે થોડા સમયમાં જ માણસો માટે જાેખમ બનીને ઊભરી આવશે. વિશેષજ્ઞોએ કહ્યું કે નાઈગ્લીરિયા ફોલેરીનું ઈન્ફેક્શન થયા બાદ તેની સારવાર કરવી ખુબ કપરી છે. તે ઝડપથી ફેલાય છે અને માણસોના મગજની કોશિકાઓને નષ્ટ કરી નાખે છે. જેના કારણે મગજ અને કરોડના આવરણ પર સોજાે આવી જાય છે. ત્યારબાદ તેને રોકવું ખુબ કપરું બને છે. અનેકવાર તો તેના લક્ષણોને ખબર પડે તે પહેલા જ દર્દીનું મોત થઈ જાય છે.
યુએસના સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન બોર્ડના જણાવ્યાં મુજબ વિબ્રિઓ વલ્નીફિક્સના કારણે ચામડીની નીચેના ટીશ્યૂ નષ્ટ થઈ જાય છે. જ્યારે ચામડી ચિરાવવા માડે છે ત્યારે તે જગ્યાએથી બેક્ટેરિયા શરીરમાં ઘૂસી જાય છે. આ કારણે માંસ ગળવાનો રોગ થઈ જાય છે. જે લોકોના શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે તેમનામાં તેનું જાેખમ વધુ રહે છે.