મગરનાં રેસ્ક્યુ માટે ૨૫ મિનિટ રાજધાની રોકાઈ
વડોદરા, જ્યારે એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરતા હોય ત્યારે એવી આશા રાખવામાં આવે છે કે તે ઝડપથી અને રોકાયા વિના પહોંચાડી દેશે. પરંતુ મંગળવારની સવારે સુપરફાસ્ટ રાજધાની એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા પ્રવાસીઓની આ ધારણા ખોટી પડી. ટ્રેક પર એક ૮ ફૂટ લાંબો અને ઈજાગ્રસ્ત મગર પડ્યો હોવાને કારણે વડોદરાથી મુંબઈ જઈ રહેલી સુપરફાસ્ટ રાજધાની એક્સપ્રેસને ૨૫ મિનિટ સુધી રોકાવુ પડ્યું.
મગરને કારણે માત્ર રાજધાની એક્સપ્રેસ જ નહીં, વડોદરા-મુંબઈ લાઈન પર ચાલતી અન્ય ટ્રેનો પણ ૪૫ મિનિટ મોડી પડી હતી. પરંતુ રેલવે અધિકારીઓ અને પ્રાણી સુરક્ષા ક્ષેત્રે કામ કરતા કાર્યકર્તાઓના અનેક પ્રયાસો પછી પણ મગરને બચાવી નહોતો શકાયો.
ઉલ્લેખનીય છે કે મગરને માથાના ભાગમાં ઈજા થઈ હતી. વાઈલ્ડલાઈફ એક્ટિવિસ્ટ હેમંત વાધવાન જણાવે છે કે,મને રાત્રે લગભગ સવા ત્રણ વાગ્યે કરજણ રેલવે સ્ટેશનના સ્ટેશન સુપ્રીટન્ડન્ટનો ફોન આવ્યો અને તેમણે રેલવે ટ્રેક પર મગર પડ્યો હોવાની વાત જણાવી.
કરજણ મિયાગામ રેલવે સ્ટેશનથી લગભગ પાંચ કિલોમીટર દૂર રેલવે પેટ્રોલમેનને આ મગર દેખાયો હતો. હું અને અન્ય સાથી નેહા પટેલ તાત્કાલિક ત્યાં જવા માટે નીકળી ગયા હતા. વાતચીતમાં હેમંતે આગળ જણાવ્યું કે, મગર જ્યાં ઈજાગ્રસ્ત થયો હતો તે સ્થળ પર ઝડપથી પહોંચવુ શક્ય નહોતું.
અમારું વાહન પણ કરજણ રેલવે સ્ટેશન સુધી પહોંચ્યું. અમને જાણીને નવાઈ લાગી કે રેલવે અધિકારીઓએ પાછલી ૨૦ મિનિટથી રાજધાની એક્સપ્રેસ રોકીને રાખી હતી. કુલ ૨૫ મિનિટ સુધી આ ટ્રેન રોકીને રાખવામાં આવી હતી.
નેહા પટેલ જણાવે છે કે, ઘટનાસ્થળ પર હાજર રેલવેના સ્ટાફે અમને જણાવ્યું કે, થોડીવાર સુધી મગર મોઢું હલાવતો હતો. અમે તપાસ કરી તો જાણવા મળ્યું કે મગરના માથામાં ગંભીર ઈજા થઈ છે. ગણતરીની મિનિટોમાં તેણે જીવ ગુમાવ્યો. શક્ય છે કે મગર ઝડપથી આવતી કોઈ ટ્રેનની અડફેટમાં આવી ગયો હશે. આ વ્યસ્ત ટ્રેક પર ફરીથી ટ્રેનો દોડતી થાય તે માટે મગરને ત્યાંથી ખસેડવામાં આવ્યો હતો.SSS