મગોદ-ડુંગરી ખાતે જે.પી શ્રોફ આર્ટ્સ કોલેજ વલસાડની વાર્ષિક શિબિર યોજાશે
શ્રીમતી જે.પી.શ્રોફ આર્ટ્સ કોલેજ, વલસાડ દ્વારા ‘રાષ્ટ્રીય સેવા યોજના’ અંર્તગત તા.૧૮ થી ૨૪ મી ઓક્ટોબર, ૨૦૧૯ દરમિયાન વલસાડ તાલુકાના મગોદ-ડુંગરી ગામમાં વાર્ષિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમનો ઉદ્ઘાટન સમારંભ તા.૧૯-૧૦-૨૦૧૯ ના રોજ સવારે ૧૦.૦૦ કલાકે વલસાડ ધારાસભ્ય ભરતભાઇ કે. પટેલના અધ્યક્ષસ્થાને યોજાશે. સમારંભના મુખ્ય મહેમાન મગોદ-ડુંગરી ગામના વાલી મંડળના પ્રમુખ મનુભાઇ ટંડેલ, તથા અતિથિ વિશેષ તરીકે મગોદ-ડુંગરી ગામના સરપંચ વૈશાલીબેન હળપતિ, વાલી મંડળના મંત્રી શંકરભાઇ ટંડેલ અને મગોદ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક ભાષિતાબેન પટેલ હાજરી આપશે.
વાર્ષિક શિબિરમાં રાષ્ટ્રીય સેવા યોજનાના ૫૦માં વર્ષ અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે ‘ગાંધી વિચાર અને રાષ્ટ્રીય સેવા યોજના’ સંદર્ભે વિવિધ પ્રવૃતિઓ જેમ કે, ગાંધી જીવન દર્શન-વિવિધ વ્યાખ્યાનો, શ્રમકાર્ય, ગ્રામ સફાઇ-સ્વચ્છતા અભિયાન, જળ સંરક્ષણ, પ્લાસ્ટિક મુકિત અભિયાન, બૌધિક વ્યાખ્યાનો, સાંસ્કૃતિક કાર્યક્રમો, વ્યકિતત્વ વિકાસના કાર્યક્રમો, યોગ-પ્રાર્થના સભા, મેડીકલ ચેક-અપ, નેત્ર ચિકિત્સા, દંત ચિકિત્સા, બ્લડ ડોનેશન કેમ્પ, વૃધ્ધાશ્રમ-અટારની મુલાકાત તથા અન્ય શાળામાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા જે.પી.શ્રોફ આર્ટ્સ કોલેજના આચાર્ય ડૉ.જી.એમ.બુટાણી અને એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર્સ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.