મચ્છરના બ્રીડિંગ મળી આવતા અમદાવાદની ચાર કન્સ્ટ્રક્શન સાઈટ સીલ કરાઇ
અમદાવાદ, અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. રોગચાળાને કારણે લોકો પરેશાન થયા છે. આ સાથે કોર્પોરેટર્સ અને આરોગ્ય વિભાગના અધિકારીઓથી નારાજ થયા છે. શહેરમાં રોગચાળાની સ્થિતિને ઘ્યાને લઈને અમદાવાદ કોર્પોરેશન એકાએક સક્રિય છે. અમદાવાદ કોર્પોરેશનની ટીમે શહેરમાં જુદી જુદી જગ્યા એ તપાસ શરૂ કરી હતી.
શહેરમાં અનેક સાઈટ પરથી મચ્છરના બ્રીડિંગ મળી આવ્યા છે. બિલ્ડરોની કન્સ્ટ્રક્શન સાઈટ પર પાણી ભરાયેલું રહ્યું હતું. આ સાથે ભંગારના કેટલાક સામાનમાંથી પણ મચ્છરના બ્રીડ મળ્યા હતા. આવા સામાન અને પાણીનો કોઈ નિકાલ થતો નથી એટલે મચ્છર થાય છે.
કોર્પોરેશનની ટીમે આ કામગીરી દરમિયાન કુલ ૨૯૯ જેટલી સાઈટ પર ભરાયેલા પાણીનું ચેકિંગ કર્યું હતું.જેમાંથી કુલ ૧૭૧ જેટલી સાઈટને નોટીસ ફટકારી હતી. આ ઉપરાંત કુલ રૂ.૭.૯૪ લાખનો મોટો દંડ વસુલ કરવામાં આવ્યો છે. ગણશે ફ્લોરા-વટાવ, સહજ બાંધકામ-નવા વાડજ, સાહિત્ય એન્ઝા-નરોડા તથા આર.વી.મોલ-નરોડાને સીલ મારી દેવામાં આવ્યા છે.
આ સિવાય લાંભામાં સ્વામીનારાયણ બિઝનેસ પાર્ક, તુલસી હાઈટ્સ ચાંદલોડિયા, બિનોરી કન્સ્ટ્રક્શન બોડકદેવ, કેસર હાઈટ્સ વસ્ત્રાલ, ડી માર્ટ રામોલ, પ્રધાનમંત્રી આવાસ યોજના ચાંદખેડા, વસુંધરા બાંધકામ નરોડા, ઉગતી લેકવ્યુ સાઈટ ઘાટલોડિયા, શિવાલીક એન્કેલેવ શાહીબાગ, સંકલ્પ ઈન્ટરસિટી શાહીબાગ, શિવમ રો હાઉસ નવા વાડજ, મેટ્રો સાઈટ, આદિત્ય પ્રાઈમ સહિતની અનેક સાઈટ પરથી મચ્છરના બ્રીડિંગ મળી આવ્યા છે.
હેલ્થ વિભાગ તરફથી પણ વરસાદના પાણીના નિકાલ માટે અનેક વખત સૂચના આપવામાં આવી છે.જરૂરિયાત અનુસાર પાણી ભરી રાખવા માટે કહ્યું છે. આ સાથે પાણીની ટાંકીના ઢાંકણા ફીટ બંધ કરવા માટે કહેવામાં આવ્યું છે. તેમ છતાં અનેક એવા એકમ અને સાઈટ પરથી મોટી બેદરકારી જાેવા મળી હતી. જેના કારણે મેલેરિયા અને ડેંગ્યુ જેવા મચ્છરોનો ઉપદ્રવ વધે છે. આ પહેલા પણ કોર્પોરેશન તરફથી ખાલી રહેલા કારખાના, પ્લોટ તથા સાઈટ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વરસાદી પાણીના નિકાલ હેતું સૂચના આપવામાં આવી હતી.
મધ્યઝોનમાંથી ૧૨, દક્ષિણ ઝોનમાંથી ૧૬, દક્ષિણ પશ્ચિમ ઝોનમાંથી ૧૨, ઉત્તર પશ્ચિમ ઝોનમાંથી ૨૦, પૂર્વ ઝોનમાંથી ૨૫, ઉત્તર ઝોનમાંથી ૧૪ અને પશ્ચિમ ઝોનમાંથી ૭૨ સાઈટને નોટીસ ફટકારવામાં આવી છે. જુદા જુદા ઝોનની સાઈટ પર ટેરેસ, ટેરેસ કે ભોયરામાં રાખેલા ભંગાર, ફૂલછોડ, ઓવરહેડ-અંડરગ્રાઉન્ડ ટાંકી, ફ્રીજ ટ્રે, લિફ્ટના ખાડા, સ્ક્રેપ, બકેટ, પક્ષીચારો, ટાંકી, વગેરેનું ચેકિંગ કરાયું હતું.HS