મજૂરોને કરાર ખતમ કરીને નોકરી બદલવાની મંજૂરી
રિયાધ: સાઉદી અરબે કામદારોના હિતમાં મોટું પગલું ભરતા વિવાદાસ્પદ કફાલા સિસ્ટમનો અંત આણ્યો છે. માનવ સંસાધન અને સામાજિક વિકાસ મંત્રાલયે બુધવારે આ અંગે જાહેરાત કરી. નવી વ્યવસ્થા માર્ચ ૨૦૨૧થી અમલમાં આવશે. હવે સાઉદી અરબમાં કામ કરનારા મજૂરોને કરાર ખતમ કરીને નોકરી બદલવાની મંજૂરી રહેશે. તેમણે મજબૂરીમાં ઓછા પગારે કામ કરવું નહીં પડે. મંત્રાલય તરફથી કહેવાયું છે કે સરકાર એ તમામ પ્રતિબંધો હટાવવા જઈ રહી છે
જેના કારણે પ્રવાસી શ્રમિકોને ઓછા પગારે પણ પોતાના માલિકો સાથે કરારમાં બંધાઈ રહેવું પડતું હતું. નવા શ્રમ સુધાર માર્ચ ૨૦૨૧માં લાગુ થશે. અત્રે જણાવવાનું કે સાઉદી અરબમાં મોટી સંખ્યામાં ભારતીય કામદારો કામ કરે છે. આવામાં આ ખબર તેમના માટે ‘દિવાળી ભેટ’થી કમ નથી. ઉપમંત્રી અબ્દુલ્લા બિન નાસિર અબુથુનેને કહ્યું કે, અમે આકર્ષક શ્રમ બજાર બનાવવા અને વધુ સારા કામકાજી માહોલને નિર્મિત કરવાની દિશામાં એક પગલું ઉઠાવ્યું છે. નવા શ્રમ સુધાર લાગુ થયા બાદ વિદેશી શ્રમિકોને નોકરી બદલવા અને માલિકોની મંજૂરી વગર દેશ છોડવાનો અધિકાર રહેશે.
અત્રે જણાવવાનું કે આ વર્ષે જી-૨૦ સમૂહની અધ્યક્ષતા કરનાર સાઉદી તેલ પર ર્નિભર અર્થવ્યવસ્થામાં વિવિધતા લાવવા માટે મહત્વકાંક્ષી યોજનાઓ પર કામ કરી રહ્યું છે અને સરકારનો આ ર્નિણય તેમના માટે લાભકારી સાબિત થશે. કારણ કે તેનાથી ઉચ્ચ-કુશળ શ્રમિકોને આકર્ષવામાં મદદ મળશે અને દેશમાં રોજગારીની નવી તકો સર્જાશે. સાઉદી અરબની કફાલા સિસ્ટમ શ્રમિકો પર અનેક પ્રકારના પ્રતિબંધ લગાવે છે.
સીધા શબ્દોમાં કહીએ તો બીજા દેશથી આવીને અહીં નોકરી કરનારા મજૂરો પાસે ઉત્પીડનથી બચવા માટે કોઈ રસ્તો હોતો નથી. તેઓ પોતાની મરજીથી દેશ છોડી શકતા નથી, દેશની બહાર જવા માટે પણ તેમણે પોતાના માલિકોની મંજૂરી લેવી પડે છે. માલિકની મંજૂરી વગર તેઓ નોકરી પણ બદલી શકે નહીં કે પાછા ફરી શકે નહીં. એવા અનેક કેસ નોંધાયા છે જેમાં માલિકો પોતાના મજૂરોના પાસપોર્ટ જપ્ત કરી લે છે અને તેમને વધુ કામ માટે મજબૂર કરવામાં આવે છે. એમનેસ્ટી ઈન્ટરનેશનલ સહિત માનવાધિકાર માટે કામ કરતા સંગઠન સાઉદી અરબ પાસે કફાલા સિસ્ટમ બંધ કરવાની માગણી કરતા હતા. આ સંગઠનોનું કહેવું છે કે આ પ્રકારની પ્રણાલીઓ શ્રમિકોના માનવાધિકારોનો ખુલ્લેઆમ ભંગ કરે છે.