મજૂરોને ગુજરાત પરત આવવા કાર્યકર મદદ કરી રહ્યા છે

Files photo
અમદાવાદ:લોકડાઉન વખતે અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ સ્થળોએથી ૧૦૦૦થી વધુ પરપ્રાંતીય શ્રમિકો પોતાના વતન બિહાર પરત ફરી શકે તેની વ્યવસ્થા સામાજિક કાર્યકર અરવિંદ સિંહે કરી હતી. હવે આ શ્રમિકો ગુજરાત પાછા આવીને કામ ફરી શરૂ કરી શકે તેની વ્યવસ્થા પણ અરવિંદ સિંહ કરી રહ્યા છે. અરવિંદ સિંહે કહ્યું, હવે પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે અને ગુજરાતમાં મોટાભાગના ઔદ્યોગિક એકમો શરૂ થઈ ગયા છે ત્યારે શ્રમિકોને બિહારથી ગુજરાત લાવવાની વ્યવસ્થા કરી રહ્યા છીએ.
અમારા કાર્યકરો બિહાર ગયેલા શ્રમિકોની વ્યક્તિગત મુલાકાત લઈ રહ્યા છે અને તેમને ગુજરાત પરત આવીને કામ શરૂ કરવાનું કહે છે. ઉલ્લેખનીય છે કે, અરવિંદ સિંહ બિહાર ગુજરાત મૈત્રી સંઘ અને હિંદી ભાષી મહાસંઘના જનરલ સેક્રેટરી છે. અરવિંદ સિંહના જણાવ્યા અનુસાર, લોકડાઉન દરમિયાન પરપ્રાંતીય શ્રમિકોએ પારાવાર મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. શ્રમિકોએ રોજી ગુમાવી હતી અને પાસે રૂપિયા નહોતા, પરિણામે તેઓ ઘરે જવા માટે બેચેન થયા હતા.
અમે ગુજરાતમાં જિલ્લાના વહીવટી અધિકારીઓ અને બિહારના સરકારી કર્મચારીઓ સાથે કો-ઓર્ડિનેટ કરીને સુનિશ્ચિત કર્યું કે, ૧૦૦૦થી વધુ શ્રમિકો સુરક્ષિત રીતે વતન પહોંચે, તેમ અરવિંદ સિંહે જણાવ્યું. આગળ તેમણે એમ પણ કહ્યું કે, લોકડાઉન દરમિયાન ઔદ્યોગિક એકમો કામદારોને પગાર ચૂકવે તે સુનિશ્ચિત કરવા તેમની સંસ્થાએ રાજ્ય સરકાર સાથે મળીને કામ કર્યું હતું. “હવે ઔદ્યોગિક પ્રવૃત્તિઓ ફરી શરૂ થઈ ગઈ છે ત્યારે જે શ્રમિકો ગુજરાત છોડીને ગયા હતા તે આગામી મહિનાઓમાં પરત આવી જશે”, તેમ અરવિંદ સિંહે જણાવ્યું હતું.